ગેરકાયદેસર ગોદામમાં ધાબળા અને રબર નો સ્ટોકમાં શોર્ટ સર્કિટથી આગ,૩ કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ બુજાવાઈ

બુધવારે બપોરે ૨.૧૫ વાગ્યાના સુમારે ભુજ શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલા ભૂમિ કોમ્પ્લેક્સના ગોદામ અને હોટલમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ૪ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ બુઝાવવા માટે ફાયર ફાઇટર અને બ્રાઉઝરમાંથી સતત પાણીનો મારો ચલાવી પોણો લાખ લીટર પાણી છોડી કાબુ મેળવ્યો હતો. તો અગ્નિશમન વાહનના કુલ ૧૪ ટેન્કર ખાલી થયા હતા. ભૂતકાળમાં અમદાવાદ, સુરત અને મુંબઇ જેવા શહેરોમાં ભયાનક આગ લાગતા જાનહાનિ સુદ્ધા થયા હોવાની ઘટનાઓ બની છે.

સ્થળ પરથી મળતી માહિતી મુજબ બપોરે આગ લાગી ત્યારે ગોદામમાં ધાબળા અને રબ્બરનો સ્ટોક હતો. જેથી આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. બાજુમાં જ એ જ કોમ્પલેક્ષમાં આવેલી ફ્લેવર્સ હોટેલના કિચન કે જે પણ ખુલ્લી જગ્યાને શેડ બનાવી કવર કરાયું હતું, તેમાં આગ પ્રવેશી હતી. તેલના ડબ્બા જેવા જ્વલનશીલ પદાર્થ હોતા ત્યાં પણ લબકારા મારતી આગ જોવા મળી હતી. ઊંચી દીવાલને કારણે આગ ઓલવવામાં નડતર ઊભી થતાં સુધરાઇએ જેસીબી વડે દીવાલ તોડી નાખી હતી. ત્યારબાદ આગ બુઝાવવામાં ઝડપ આવી હતી. જોકે, તો પણ ત્રણ કલાક લાગ્યા હતા આ સમગ્ર ઘટના વખતે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ ઘનશ્યામ આર.ઠક્કર ખડે પગે હાજર હતા, તો અગ્નિશમન દળના જવાનોએ કુનેહપૂર્વક કામગીરી કરી હતી. ફાયર સ્ટાફમાં સચિન પરમાર, સુનિલ રબારી, રક્ષિત ઢોલારિયા, નરેશ લોહરા, મામદ જત, પ્રદીપ ચાવડા, જય ભાટી, પિયુષ સોલંકી, યશપાલસિંહ વાઘેલા, કેતન પ્રજાપતિ, કમલેશ મતીયા જોડાયા હતાં.

આઇયા સર્કલ પાસે પેટ્રોલ પંપની સામે આવેલા વાણિજ્ય સંકુલમાં લાગેલી આગને પગલે ગોદામ અને રેસ્ટોરન્ટ માલિકોને બેદરકારી બદલ નોટિસ આપવામાં આવશે તેવું સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. આ કોમ્પ્લેક્સની આસપાસ રહેતા રહેવાસીઓએ પણ ફરિયાદ કરી હતી કે, હોટેલના કારણે તેનું રસોડુ બહારની બાજુ હોતા ગમે ત્યારે આગ ફાટી નીકળે તેવી દહેશતમાં રહેવું પડે છે.