સાવલીના ગોઠડા ગામે શિવમ પેટ્રોકેમ કંપનીમાં આગઃ ૬ કર્મી દાઝ્યા

આગનો પ્રચંડ ધડાકો આઠ કિમી દૂર સુધી સંભળાયો

સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ સહિત વહીવટી તંત્ર દોડી આવ્યું હતું. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગની દુર્ઘટનામાં ૬ કામદારોને ઈજા પહોંચતા તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે જાનહાની થતા ટળી હતી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલી ફાર્મા સ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે રીએક્ટર ફાટતાં ભીષણ આગ લાગી હતી. પ્રચંડ ધડાકા સાથે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. બનાવની જાણ થતાં જ ગોઠડા ગામના સરપંચ તેમજ મામલતદાર સહિત તંત્રની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આગની દુર્ઘટનામાં ૬ કામદારો દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૪ કામદારો ગંભીર રીતે દાઝી જતા વડોદરાની જીજીય્ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર ગોઠડા ગામ પાસે શિવમ પેટ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. આ કંપનીમાં ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરવામાં આવે છે. વહેલી સવારે કેમિકલ પ્રોસેસની કામગીરી દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં રીએક્ટર ફાટ્યું હતું. પ્રચંડ ધડાકો થતા કંપનીથી ૮ થી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો કંપની ખાતે દોડી ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સાવલી નગરપાલિકા, નિરમા સહિતની આસપાસની કંપનીના ફાયર ફાયટરો અને એમ્બ્યુલન્સ તેમજ ય્ઈમ્ની ટીમો દોડી આવી હતી તેમજ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.