ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી
ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી હતી.
વિગત પ્રમાણે જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસીમાં ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ પોતાનું એકમ સ્થાપિત કરી રહી છે. આ એકમનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન આજે બપોરે 12 કલાકની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે આકાશમાં કાળા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઝરાળથી પીવીસીની 2 પાઇપ ઓગળી જવા પામ્યા હતી. જોકે, સદનસીબે કામદારોને આગની જાણ થતાં જ દોડીને બહાર આવી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
આગની ઘટનાની જાણ થતાં જ બે કંપનીના ફાયર ફાયટર્સ સ્થળ પર પહોંચ્યા હતા અને આશરે એક કલાક જેટલી ભારે જહેમત પર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પહોંચ્યું હતું અને આગળની તપાસ હાથ ધરી હતી.