અમદાવાદના રિલીફ રોડ પર ૧ કોમ્પ્લેક્સમાં ૬ દુકાનો માં ભીષણ આગ ની ઘટના, ૪૫ મિનિટ બાદ આગ કાબૂમાં આવી

અમદાવાદ : અમદાવાદ માં ખરીદી માટે પ્રખ્યાત એવા રિલીફ રોડ આગ લાગવાની ઘટના બની હતી. રીલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે ૮ ફાયરફાઈટરની મદદથી ૪૫ મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

બપોર ના સમયે રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે ૬ ફાયર ફાઇટર, ૧ હાઇડ્રોલીક મશીન અને ૨ એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત ૬૮ ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ૪૫ મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે કુલીગની કામગીરી થઈ રહી છે. આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક માટે રોડ બન્ધ કરી દેવાની ફરજ પડી હતી.