બમરોલીમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ, ૪થી વધુ ઝૂંપડાઓમાં અને ૮ બાઈકો સળગી ગયા

આજ કાલ આગ લાગવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે. સુરતમાં બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં સોમવારે વહેલી સવારે ફરીથી ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટીમ બોઈલર વિભાગમાં લાગેલી આગે જોતજોતામાં મોટું રૂપ ધારણ કરી લીધું હતું. જે બાદમાં આગ પહેલા માળ સુધી પ્રસરી જતા કામ કરતા કારીગરો પોતાનો જીવ બચાવી બહાર દોડી ગયા ગતા. બીજી તરફ આગના તણખણા પાછળના ભાગે આવેલી એક દુકાન અને આઠ જેટલી બાઈક પર પડતાં મોટું નુકસાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના બમરોલી રોડ ખાતે આવેલી મનહર ડાંઈગ મિલમાં સોમવારે સવારે વીજળી ચાલી ગઈ હતી.

સવારે પાવર આવતા સ્ટીમ બોઈલર વિભાગમાં ઍન્જીન ચાલુ કરવા જતી વખતે ઍન્જીનમાંથી ઓવરફ્લો થતા આગ ફાટી નીકળી હતી. જાેતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પહેલા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગને કારણે કારીગરોનાં જીવ પડીકે બંધાયા હતા. કારીગરો આગ વધુ ફેલાય તે પહેલા પોતાનો જીવ બચાવી બહાર દોડી આવ્યા હતા. આગને કારણે પાછળ આવેલી ચિકન સેન્ટરની એક દુકાનું છાપરું તેમજ સ્થાનિક ઘરની બહારનો કચરો અને આઠ જેટલા સ્કૂટર અને મોટર સાઇકલ સળગી ગયા હતા.

મનહર ડાઈંગ મિલમાં ત્રણ દિવસ પહેલા પણ આગ લાગી હતી. આજે સવારે ફરીથી આગ લાગતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મિલમાં લાગેલી આગના તણખણા આજુબાજુમાં સ્થાનિક લોકોના ઘર પર પડતા ઘરના છાપરા તેમજ બાઈકો બળી ગઈ હતી. આગને કારણે લોકો પણ ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજુરા, માન દરવાજા, નવસારી બજાર, ભેસ્તાન અને ડુંભાલ ફાયર સ્ટેશનમાંથી આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો માર ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.