સામાન્ય ગંદાપાણી શુદ્ધિકરણ પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજૂરીમાંથી મળી મુક્તિ
- ZLD સિસ્ટમો સુનિશ્ચિત કરે છે કે કોઈપણ અશુદ્ધ અથવા આંશિક શુદ્ધ થયેલું ગંદુ પાણી પર્યાવરણમાં છોડવામાં ન આવે
- પર્યાવરણીય સંસ્થાઓના મતે ઔદ્યોગિક સુવિધામાં પર્યાવરણીય સુરક્ષામાં કોઈ છૂટછાટ આપવી જોઈએ નહીં
- આધુનિક તકનીક અને મજબૂત નિયમનકારી માળખું પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત
- રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ અને ડેટા પારદર્શિતા આવશ્યકતા એ મહત્વની બાબત
નવી દિલ્હી: પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે સામાન્ય ગંદાપાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (Common Effluent Treatment Plants – CETPs) માટે પૂર્વ પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ આપતી મહત્વપૂર્ણ અધિસૂચના જાહેર કરી છે. પર્યાવરણ પ્રભાવ નિર્ધારણ (EIA) અધિસૂચના, ૨૦૦૬ની કલમ ૭(હ) હેઠળ આવતા CETPs માટે અત્યાર સુધી પર્યાવરણીય મંજૂરી આવશ્યક હતી. જો કે, પર્યાવરણવાદીઓએ આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તાજેતરના વર્ષોમાં ફાર્માસ્યુટિકલ્સ, પેઇન્ટ્સ, રાસાયણિક ખાતર, ઇલેક્ટ્રોપ્લેટિંગ, કાપડ અને સંબંધિત ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ ક્ષેત્રો, જે અગાઉ CETPs પર ખૂબ નિર્ભર હતા, તેમણે વધુ કડક પર્યાવરણીય જરૂરિયાતોનું પાલન કરવા માટે પોતાના માળખાને ઉત્તરોત્તર ઉન્નત બનાવ્યો છે.
આવા પ્રૌદ્યોગિકી સુધારાઓએ ઉદ્યોગોને તેમના ગંદા પાણીનું વ્યવસ્થાપન વધુ સચોટતા, કાર્યક્ષમતા અને જવાબદારી સાથે કરવામાં સક્ષમ બનાવ્યા છે.
અનેક ક્ષેત્રોમાં શૂન્ય પ્રવાહી વિસર્જન (Zero Liquid Discharge – ZLD) સિસ્ટમ અપનાવવામાં વધારો જોવા મળ્યો છે. ZLD સિસ્ટમો સુનિશ્ચિત કરે છે કે કોઈપણ અશુદ્ધ અથવા આંશિક શુદ્ધ થયેલું ગંદુ પાણી પર્યાવરણમાં છોડવામાં ન આવે. તેના બદલે, સંપૂર્ણ ગંદાપાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરવામાં આવે છે અને શુદ્ધ થયેલા પાણીનો ઔદ્યોગિક કામોમાં પુનઃઉપયોગ થાય છે.
અધિસૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઔદ્યોગિક એકમો અને તેમની શુદ્ધિકરણ સુવિધાઓ જળ (પ્રદૂષણ નિવારણ તથા નિયંત્રણ) અધિનિયમ, ૧૯૭૪ અને વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ના જોગવાઈઓ હેઠળ રહેશે.
રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCB) અથવા પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓ (PCC) દ્વારા સંમતિ પદ્ધતિ દ્વારા પર્યાવરણીય સુરક્ષા પગલાંનું અમલીકરણ કરવામાં આવશે. આમાં નિયમિત દેખરેખ, સમયાંતરે નિરીક્ષણ અને ફરજિયાત રિપોર્ટિંગની જરૂરિયાતો સામેલ છે.
પર્યાવરણ કાર્યકરો અને નિષ્ણાતોએ આ નિર્ણય અંગે કેટલીક મહત્વની ચિંતાઓ ઉઠાવી છે:
- દેખરેખમાં ઘટાડો: પૂર્વ પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયા દૂર થવાથી વ્યાપક પર્યાવરણીય અસર મૂલ્યાંકન અને જાહેર સુનાવણીની પ્રક્રિયા બાદ પડી શકે છે. આનાથી સ્થાનિક સમુદાયોની ચિંતાઓને અવગણવામાં આવી શકે છે.
- જળ પ્રદૂષણનું જોખમ: જો કે ZLD સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ તમામ CETPs આવી અદ્યતન તકનીક અપનાવે તેની ખાતરી નથી. અપૂરતી શુદ્ધિકરણ સુવિધાઓ ભૂગર્ભ જળ અને સપાટી જળ સ્ત્રોતોને દૂષિત કરી શકે છે.
- સ્લજ નિકાલની સમસ્યાઃ ZLD સિસ્ટમો મોટી માત્રામાં ઘન કચરો (સ્લજ) ઉત્પન્ન કરે છે જેમાં ભારે ધાતુઓ અને ઝેરી રસાયણો હોઈ શકે છે. આનો યોગ્ય નિકાલ ન થાય તો માટી અને પર્યાવરણ દૂષણનું જોખમ રહે છે.
- વાયુ પ્રદૂષણઃ કેટલાક શુદ્ધિકરણ પ્રક્રિયાઓમાં અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs) અને અન્ય હાનિકારક વાયુઓ ઉત્સર્જિત થાય છે. કડક દેખરેખ વિના આનું ઉત્સર્જન નિયંત્રણમાં રહેશે તેની ખાતરી મુશ્કેલ છે.
- અસંગઠિત ક્ષેત્રના CETPs: નાના અને અસંગઠિત ક્ષેત્રના CETPs પાસે અદ્યતન તકનીક અને નિપુણ કર્મચારીઓ ન હોવાથી પર્યાવરણીય ધોરણોનું પાલન કરવામાં મુશ્કેલી પડી શકે છે.
- સંચિત અસર: એક વિસ્તારમાં અનેક CETPs હોય તો તેમની સંયુક્ત પર્યાવરણીય અસર નોંધપાત્ર હોઈ શકે છે. EIA પ્રક્રિયા દૂર થવાથી આ સંચિત અસરનું મૂલ્યાંકન થશે નહીં.
- અમલીકરણની નબળાઈ: રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડો પાસે મર્યાદિત સંસાધનો અને કર્મચારીઓ છે. EIA પ્રક્રિયાની ગેરહાજરીમાં અસરકારક દેખરેખ અને અમલીકરણ મુશ્કેલ બની શકે છે.
અનેક પર્યાવરણ સંસ્થાઓએ આ નિર્ણય પર પ્રશ્નચિહ્ન ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે ઔદ્યોગિક સુવિધામાં પર્યાવરણીય સુરક્ષામાં કોઈ છૂટછાટ આપવી જોઈએ નહીં. પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયા એ માત્ર કાગળી કામગીરી નથી, પરંતુ તે જાહેર ભાગીદારી અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનનું મહત્વનું માધ્યમ છે.
આ નિર્ણય ઔદ્યોગિક હિતોને પર્યાવરણ સુરક્ષા કરતાં વધુ પ્રાધાન્ય આપે છે તેવું લાગે છે. EIA પ્રક્રિયા દૂર કરવાથી સ્થાનિક સમુદાયો અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા વધે છે.
સરકારના નિર્ણયના મુખ્ય મુદ્દાઓમાં CETPs માટે પૂર્વ પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાત દૂર કરવાની, SPCB/PCC દ્વારા સંમતિ પદ્ધતિ યથાવત્ રાખવાની, પર્યાવરણીય સુરક્ષા પગલાં ફરજિયાત બનાવવાની, ZLD સિસ્ટમને પ્રોત્સાહન આપવાની બાબતનો સમાવેશ થાય છે.
સરકારનો દાવો છે કે આધુનિક તકનીક અને મજબૂત નિયમનકારી માળખું પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત છે. નિષ્ણાત મૂલ્યાંકન સમિતિએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. સરકારના એક અધિકારીએ જણાવ્યું કે સામૂહિક જવાબદારીના સિદ્ધાંત પર આધારિત CETPs સ્વ-અનુશાસન અને બેહતર અનુપાલન લાવશે. વધુમાં, જળ અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળ કડક દેખરેખ ચાલુ રહેશે.
ક્ષેત્રીય નિષ્ણાત મૂલ્યાંકન સમિતિએ ભલામણ કરી હતી કે પ્રાપ્ત તકનીકી પ્રગતિ, વર્તમાન મજબૂત અનુપાલન તંત્ર અને ટકાઉ જળ પ્રબંધન પ્રથાઓ તરફના સ્પષ્ટ પરિવર્તનને ધ્યાનમાં લઈને CETPs ને પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ આપી શકાય.
નિષ્ણાત સલાહકાર સમિતિએ પણ વિચારણા બાદ આ ભલામણ સાથે સંમતિ દર્શાવી હતી. સમિતિએ નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ની અધિસૂચના દ્વારા પહેલેથી જ એવા CETPs માટે છૂટ આપી હતી જે એવા પ્રોજેક્ટ માટે સ્થાપિત થયા હતા જેમને પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાત નથી.
લાંબી પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયામાંથી મુક્તિ મળવાથી પ્રોજેક્ટનું અમલીકરણ ઝડપી બનશે અને ખર્ચમાં ઘટાડો થશે. કેન્દ્રિત દેખરેખથી અનેક સ્થળોએ ફેલાયેલી દેખરેખ બદલે એક સ્થળે કેન્દ્રિત દેખરેખથી વધુ સારૂં અનુપાલન સુનિશ્ચિત થશે તેમજ CETPs સામૂહિક ઉત્તરદાયિત્વના સિદ્ધાંતો પર આધારિત સ્વ-અનુપાલનને પ્રોત્સાહન આપશે અને પ્રદૂષણ નિયંત્રણમાં સ્વ-શિસ્તની ભાવના જગાવશે.
સરકારે ૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ડ્રાફ્ટ અધિસૂચના જાહેરમાં પ્રસિદ્ધ કરી હતી અને ૬૦ દિવસની મુદત દરમિયાન જનતા તરફથી આક્ષેપો અને સૂચનો માંગ્યા હતા. પ્રાપ્ત થયેલા તમામ આક્ષેપો અને સૂચનો પર યોગ્ય વિચારણા બાદ આ અંતિમ અધિસૂચના જારી કરવામાં આવી છે. આ નિર્ણય લાગુ થાય તે પહેલાં રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડોને પર્યાપ્ત સંસાધનો અને તાલીમબદ્ધ કર્મચારીઓ પૂરા પાડવા જોઈએ, CETPs માટે વધુ કડક તકનીકી ધોરણો અને નિયમિત ઓડિટ ફરજિયાત બનાવવા જોઈએ, સ્લજ નિકાલ અને વાયુ ઉત્સર્જન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જરૂરી છે, સ્થાનિક સમુદાયોને સૂચિત કરવા અને તેમની ચિંતાઓ સાંભળવા માટે તંત્ર સ્થાપિત કરવું જોઈએ અને રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ અને ડેટા પારદર્શિતા આવશ્યકતા જેવી કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
આ અધિસૂચના પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને જારી કરવામાં આવી છે. મૂળ EIA અધિસૂચના ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ જારી કરવામાં આવી હતી અને છેલ્લે ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ સુધારી હતી.










