MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણાની અરજીઓના ઝડપી નિકાલ માટે પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના

ગાંધીનગરઃ રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વિશે રાજ્યના MSME કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર દ્વારા MSME એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં MSEFC (Micro & Small Enterprise Facilitation Council) ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને MSME માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીજનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં Resident Additional Collector (RAC), આ રીજનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીજનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીજનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીજનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે. આમ, રીજનલ કાઉન્સિલમાં સંબંધિત  રીઝનના MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે, તેમ વધુમાં જણાવાયું છે.