પર્યાવરણ દિવસ વિશેષઃ જીડીએમના પ્રેસિડેન્ટ રમેશ પટેલ સાથે ખાસ વાતચીત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ કોઇ પરિચિત છે, તેમ છતાં પણ મનુષ્ય સતત વિકાસ અને આધુનિકતાના ઝંખનામાં પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યો છે. બીજી રીતે કહીએ તો માનવની વિકાસ અને આધુનિકતાની ઝંખના તેને પ્રકૃતિથી ખૂબ જ દૂર લઇ જઇ રહી છે. પ્રકૃતિને નુક્શાન પહોંચાડી રહેલા મનુષ્ય સમયાંતરે તેની નુક્શાન પણ ભોગવે રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આબોહવા પરિવર્તન તેની સાક્ષી પુરી રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ..

આધુનિકતા અને વિકાસની દોડમાં પૃથ્વી પરથી વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે, જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને ગીચ વસ્તી ધરાવતા શહેરો તો ઠીક પણ નાના શહેરોમાં પણ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શહેરોમાં રહેતુ માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણથી દૂર થઇ રહ્યું છે. જેને કારણે નવી નવી બિમારીઓ જન્મ લઇ રહી છે. ગત વર્ષે એટલે કે 2021ના વર્ષમાં આપણે કોરોના મહામારીમાં ઓક્સિજનના કારણે હારી જતી જિંદગીઓને જોઇ છે.

જોકે તમામ રીતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેની ઉજવણી દર વર્ષે અલગ-અલગ થીમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. ‘ઓન્લી વન અર્થ’ એટલે કે ‘એક પૃથ્વી’ રાખવામાં આવે છે, જે યથાર્થતા ‘પ્રકૃતિની સાથે સદભાવમાં રહેવું’ તેમ થઇ શકે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોએ વિશેષ રીતે પર્યાવરણ ટુડેના માધ્યમથી પોતાના વિચારો વહેંચી લોકજાગૃત્તિમાં પોતાનું યોગદાન આપ્યું. જેઓ પ્રકૃતિના સંરક્ષણ કરી લોકો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીડીએમના પ્રેસિડેન્ટ રમેશ પટેલે પોતાના વિચારો પર્યાવરણ ટુડેના માધ્યમથી વહેંચતા જણાવ્યું હતુ કે ભારત સહિત વિશ્વમાં જે રીતે ધીરેધીરે હરિયાળી ઘટી રહી છે, તેનું સંરક્ષણ કરવા માટે દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તકે હું તમામ લોકોને અપીલ કરી રહ્યો છું કે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તો હરિયાળીને વધારી શકાય, જેથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય અને અંતે આપણે ફરીથી આપણી આસપાસના વાતાવરણને હરિયાળુ બનાવી શકીએ છીએ. એક વૃક્ષના વાવેતરથી પ્રકૃતિમાં મહાલતા પક્ષીઓ, પશુઓ, જીવજંતુઓને બચાવી શકીએ છીએ અને આપણે પણ આરોગ્યપ્રદ જીવન મેળવી શકીએ. જેથી ફરીથી હું દરેક પ્રજાજનોને અપીલ કરી રહ્યો છું કે એક પરિવારના વ્યક્તિ દીઠ એક વૃક્ષનું વાવેતર કરે. આ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દરેક જણ પોતાનો ફાળો આપે અને દરેક ઉદ્યોગસાહસિકો પોતાના સંકુલમાં વૃક્ષોનું વાવેતર કરે તો ફરીથી પૃથ્વીને હરિયાળી બનાવી શકાય છે.

દેશમાં જીપીસીબી જેવી સંસ્થાઓ પર્યાવરણ સંરક્ષણને લઇને ખૂબ જ સરાહનીય પ્રયત્નો કરી રહ્યાં છે. આ વર્ષની થીમ ઓન્લી વન અર્થ છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર અને જીપીસીબી સાથે રહી અમે સૌ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્ય ઉજવણી કરી ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો છે.