ભારે વરસાદથી ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમ ૪૭ ટકા કરતા વધુ ભરાયા છે.જ્યારે મધ્ય ગુજરાતના ૧૭ ડેમ ૩૧ ટકા કરતા વધુ ભરાયા છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૩૫ ટકા કરતા વધારે પાણી ભરાયા છે. જ્યારે કચ્છના ૨૦ ડેમ ૫૧ ટકા કરતા વધારે ભરાયા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમ ૪૫ ટકા જેટલા ભરાયા છે.

તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં ૫૪ ટકા કરતા વધારે પાણી ભરાયા છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં  ૯ ઈંચ પડ્યો છે. તો કપરાડા, પારડી અને નવસારીના ખેરગામમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ જૂનાગઢના વિસાવદરમાં ૨ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭.૫ ઈંચ વરસાદ પડ્યો છે.