મુંબઈમાં એક સપ્તાહમાં કોરોનાના ડબલ કેસ

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળ્યો છે. અહીં એક સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. મુંબઈમાં બુધવારે કોવિડના ૧૭૬૫ નવા કેસ સામે આવ્યા, જે ૨૬ જાન્યુઆરી બાદ એક દિવસમાં સૌથી વધુ છે. સંક્રમણના કારણે કોઈના મોતની માહિતી નથી. મુંબઈમાં ૨ જૂને કોરોનાના ૭૦૪ કેસ સામે આવ્યા તો ૭ જૂને આંકડો ૧૨૪૨ પર પહોંચી ગયો હતો. અહીં જૂનના પ્રથમ દિવસથી દરરોજ નોંધાતા કેસનો આંકડો ૭૦૦ને પાર કરી ગયો છે.

મુંબઈમાં ૪ જૂને કોરોનાના ૮૮૯ નવા કેસ સામે આવ્યા હતા. તો ૫ જૂને આ આંકડો વધીને ૯૬૧ પર પહોંચી ગયો હતો. ૭ જૂને સંક્રમિતોની સંખ્યા ત્રણ ગણી વધી ચાર આંકડામાં પહોંચી ગઈ છે. દેશમાં કોરોના સંક્રમણની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૩૭ કેસસામે આવ્યા અને ૭ લોકોના મોત થયા હતા. સૌથી મોટી વાત છે કે કાલના મુકાબલે આજે નવા કેસમાં ૪૧ ટકાનો વધારો થયો છે.  દેશની રાજધાનીમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે.

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે આજે ૫૫૦ કેસ સામે આવ્યા જ્યારે એકનું મોત થયું છે. નવા કેસ સાથે રાજધાનીમાં સંક્રમણ દર વધીને ૨.૮૪ ટકા થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૯,૦૯,૯૯૧ કેસ સામે આવ્યા અને અત્યાર સુધી ૨૬૨૧૪ લોકોના મોત થયા છે. દિલ્હીમાં ૧૫ મે બાદ બુધવારે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં ૧૫ મેએ ૬૧૩ કેસ નોંધાયા હતા.  છેલ્લા એક સપ્તાહના આંકડા જોઈએ તો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ૮ જૂને રાજધાનીમાં ૪૫૦ કેસ સામે આવ્યા હતા. તો ૬ જૂન સોમવારે ૨૪૭ કેસ આવ્યા અને સંક્રમણ દર ૩.૪૭ ટકા હતો. અહીં રવિવાર એટલે કે ૫ જૂને ૩૪૩ કેસ સામે આવ્યા હતા.