કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ છે. ભારતમાં પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરૂ કરી દીધુ છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના આ નવા વાયરસથી અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાના આ નવા વેરિઅન્ટે એન્ટ્રીના સાથે જ મોતનું તાંડવ શરૂ કરી દીધુ છે. માત્ર ૨૪ કલાકમાં જ નવા વેરિઅન્ટ JN.1ના કારણે ૫ લોકો મોતને ભેટ્યા છે. કેરળમાં ૪ અને ઉત્તરપ્રદેશમાં ૧ વ્યક્તિનું મોત થયુ છે. તો આ સાથે જ કોરોનાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોનાના ૩૩૫ નવા કેસ નોંધાયા છે. તો કોરોનાના વધતા કેસોના પગલે કર્ણાટકમાં વડીલો માટે માસ્ક ફરજિયાત કરી દેવાયુ છે.

કોરોના સંક્રમણને સતત વધતુ જોઇને કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ છે. કેન્દ્રએ આ મામલે વિવિધ રાજ્યો માટે ગાઇડલાઇન જાહેર કરી છે. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના વધતા જતા કેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. એડવાઈઝરીમાં આગામી તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોને જાહેર સ્થળોએ સ્વચ્છતાનું પાલન કરવાની અને આરોગ્ય સેવાઓ માટે વધુ સારી વ્યવસ્થા કરવાનું સૂચન આપવામાં આવ્યુ છે, જેથી રોગના વધતા જોખમને ઘટાડી શકાય.

રાજ્યોને પર્યાપ્ત માત્રામાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. ચીનમાં ફરી એકવાર કોરોના દસ્તક દઈ રહ્યો છે. આ ચોંકાવનારો દાવો ખુદ ચીની એક્ટિવિસ્ટ જેનિફર જેંગે કર્યો છે. છેલ્લાં દોઢ મહિનાથી ચીનના બાળકોમાં રહસ્યમય ન્યુમોનિયા કહેર મચાવી રહ્યો છે. હજુ તો આ બીમારીનું કારણ પણ સામે નથી આવ્યું, ત્યાં જ બીજી તરફ ચીનમાં ફરી કોરોના સંક્રમણથી ખળભળાટ મચી ગયો છે. ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. કોરોનાના આ નવો વેરિઅન્ટ JN.1 હોવાનું જાણવા મળી રહ્યુ છે. સિંગાપોરમાં આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

દાવો કરાઈ રહ્યો છે કે ચીનમાં દર્દીઓની કોવિડ-૧૯ના કાળની જેમ જ તપાસ કરવામાં આવી રહી છે. ચીની સરકારે ટેસ્ટિંગ અને વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવી દીધું છે. કોવિડ સંક્રમણ સૌથી પહેલાં ચીનમાં જ ફેલાયું હતું અને પછી તેણે આખા વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. એ જ કારણ છે. કે આ સમાચાર સમગ્ર વિશ્વની ચિંતા વધારી રહ્યા છે.