મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી

આગામી બે-ત્રણ દિવસમાં વરસાદના કારણે ઠંડીમાં પણ ચમકારો જાેવા મળશે. હાલમાં પ્રવાસીઓ મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર તરફથી આવી રહેલી શીત લહેરના કારણે તાપમાનમાં આટલો ઘટાડો થયો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. બીજી તરફ રાજ્યમાં નંદુરબાર જિલ્લામાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વધુ પડી ઠંડીના કારણે સાતપુરાના ગાઢ અને દુર્ગમ જંગલોની આસપાસના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.

ભારે ઠંડીના કારણે લોકો બહાર જવાનુ પણ ટાળી રહ્યા છે.મુંબઈ અને કોંકણ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નાંદેડ, વાશિમ અને સોલાપુર જેવા જિલ્લાઓમાં પણ તાપમાનમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી સુધી તાપમાનમાં વધુ ઘટાડો થશે. બુધવારે મુંબઈમાં તાપમાન લઘુત્તમ ૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો તે ૨૯ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

નાગપુર સહિત સમગ્ર રાજ્યમાં હાલ શીત લહેર અનુભવાઈ રહી છે. વિદર્ભમાં પણ ઠંડી વધી છે પરંતુ અહીં કમોસમી વરસાદની અસર વધુ છે. નાગપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે માત્ર તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો નથી, પરંતુ રવિ પાકને પણ મોટું નુકસાન થયું છે. વિદર્ભ અને મરાઠવાડામાં કમોસમી વરસાદને કારણે લગભગ ૨ લાખ હેક્ટર ખેતીનો નાશ થયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લાઓ માટે ગુરુવાર સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે. મંગળવારની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સવારે છ વાગ્યે વેન્ના તળાવ પાસે તાપમાન માત્ર એક ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતું. સોમવારની સરખામણીએ મંગળવારે ??આ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રાજ્યમાં ઠંડી સાથે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે.