સ્વચ્છતા અભિયાન જન આંદોલન બનવું જોઈએઃ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રમાં જી-20 કાઉન્સિલના પર્યાવરણ અને આબોહવા ટકાઉપણું પર કાર્યકારી જૂથની ત્રીજી બેઠક રવિવારે ‘જી-20 કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન સાથે શરૂ થઈ. રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને જી-20 સભ્ય દેશોના પ્રતિનિધિઓએ બીચને સાફ કરવાની પ્રતિજ્ઞા લીધી.

આ પ્રસંગે એકનાથ શિંદેએ સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે, રાજ્યના પ્રવાસન મંત્રી અને મુંબઈ ઉપનગરના પાલક મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્ય અમિત સાટમ, અગ્ર સચિવ પ્રવીણ દરાડે, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ઈકબાલ સિંહ ચહલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

જી-20 સમિટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં એકનાથ શિંદેએ જણાવ્યું, “મુંબઈ એક ગતિશીલ શહેર છે અને દેશના વિકાસનું એન્જિન છે. સંત જ્ઞાનેશ્વરે માતૃભૂમિની રક્ષાનો સંદેશ આપ્યો છે અને તેના માટે આપણે સ્વચ્છતા અભિયાન દ્વારા આ સંદેશ આપવો જોઈએ કે આપણા જીવનમાં દરેક વસ્તુ પર્યાવરણને અનુકૂળ હોવી જોઈએ.

એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને ત્યારથી અત્યાર સુધી આ અભિયાને જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. દેશના દરેક ગામ અને શહેર સ્વચ્છતાની દિશામાં આગળ વધી રહ્યા છે.  રાજ્ય સરકારે પર્યાવરણની જાળવણી માટે મહત્વના કામો શરૂ કર્યા છે અને આ માટે વિશેષ પગલાં લીધા છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.

તેમણે કહ્યું કે જી-20ની યજમાની કરવી ભારત માટે ગર્વની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 11માં સ્થાનેથી 5માં સ્થાને લઈ જઈને અદ્ભુત કાર્ય કર્યું છે.  શિંદેએ જણાવ્યું, “આ ખૂબ જ ગર્વની વાત છે કે અમે વડાપ્રધાનના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી હંમેશા સહકાર મળી રહ્યો છે અને રાજ્ય સરકાર મહારાષ્ટ્રને વિકાસની દિશામાં આગળ લઈ જવા પ્રયાસ કરી રહી છે.