મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. મોરબીમાં મચ્છુ-2 ડેમના કાંઠે પાણી પર કાળા રંગની પરત જોવા મળતા કોઇએ કેમિકલયુક્ત પ્રવાહીથી ડેમને પ્રદૂષિત કર્યો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવે તે સ્વાભાવિક છે. પરંતુ, ડેમમાં પાણી પરની કાળા રંગની પરત ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવતા લોકો માટે રાહતના સમાચાર છે.

મોરબીમાં એક જાગૃત નાગરિક દ્વારા વીડિયોના માધ્યમથી મચ્છુ-2 ડેમમાં પાણી પર કાળા રંગની પરત હોવાનું ઉજાગર કર્યું હતુ. જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો. વિગત ધ્યાન પર આવતા ડેમ સાઇટ અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ કાળા રંગના પાણી કેવી રીતે ડેમમાં પોહંચ્યું તેની તપાસમાં જોતરાઈ હતી. જોકે, પ્રાથમિક તારણમાં આ કાળા રંગનું પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતાં તેમાં કેમિકલને ભેળવાયું હોઈ તેવી શક્યતાને ધ્યાનમાં લઇ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.

આ વિશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના પ્રાદેશિક અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતુ કે, અમારી ટીમે સિંચાઈ વિભાગની ટીમની સાથે મળીને તાત્કાલિક તપાસ આરંભી દીધી છે. અમે ડેમ સાઇટના આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં આ વિસ્તારોમાં મોટા પાયે કચરો સળગાવતા તેની રાખ પાણીમાં ભળી જતા પાણી કાળા રંગનું થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પાણીના પ્રવાહમાં કોઈએ કેમિકલયુક્ત પ્રવાહી છોડ્યું હોય તેવી શક્યતાને ધ્યાનમાં રાખી ચોક્કસ તપાસ અર્થે અમે પાણીના નમૂના લીધા હતી. આ નમૂનાને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છુ-2 મોરબી શહેર અને તેની આસપાસના દસ જેટલા ગ્રામ્ય વિસ્તારોના પાણીનો સ્ત્રોત છે. મોરબી અને આસપાસમાં ઉદ્યોગો આવેલા છે અને આ ઝોનમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ડેમમાં પાણી ઠલવાય છે, ત્યારે કોઇ ઉદ્યોગ દ્વારા તેમાં કેમિકલયુક્ત પાણી છોડાયું હોય તેવી શક્યતાના પગલે જાગૃત નાગરિકે જાહેર કરેલા વીડિયોના માધ્યમથી ઘટના સૌના ધ્યાન પર આવી હતી. જે બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે, અહીં એ વાતનો આનંદ છે કે હવે લોકો પર્યાવરણ સંરક્ષણને લઇને જાગૃત થઇ રહ્યાં છે.