કચ્છના દુર્ગમ ખડીર વિસ્તારમાં રાત્રીના ૧૦.૧૦ મિનિટે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાનો શીલસિલો અવિરત રહેવા પામ્યો છે. રાત્રિના વધુ એક ૩.૬ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક ખડીર વિસ્તારના ધોળાવીરાથી ૨૬ કિલોમીટર દુર નોંધાયો હતો. રણ વિસ્તારમાં આવેલા ધરતીકંપના આંચકાની અસર સ્થાનિક લોકોમાં થઈ નથી પરંતુ નવા એપી સેન્ટર ધરાવતા આંચકાથી જિલ્લાની જમીનમાં ભૂગર્ભ ગતિવિધિની સક્રિયતા જોવામાં આવી છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આવતા આંચકા ખાસ નુકશાન કર્તા રહ્યા નથી.

ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી ૨૬ કિલોમીટર દૂર ૩.૬ની તીવ્રતા ધરાવતો આંચકો રાત્રિના આવતા સ્થાનિક લોકોમાં પણ તેના અનુભવની અરસપરસ પૂછપરછ થઈ હતી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો શીલસિલો સતત ચાલુ રહ્યો છે. આજ માસની તા. ૨ના ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર ૩.૪નો આફ્ટરશોક નોંધાયો હતો જ્યારે તા. ૧૮ સેપ્ટેમ્બરના રાપરથી ૭ કિલોમીટર દૂર ૩.૨ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. જોકે આ આંચકાઓ નુકશાનજનક નથી.