AMC અને GPCBએ કાપેલા જોડાણો ફરી શરૂ નહીં કરી શકાયઃ હાઇકોર્ટ

સાબરમતી નદીમાં ફેલાઇ રહેલા પ્રદૂષણને લઇને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો હવે ખુલશે નહિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કપાયેલા જોડાણો યથાવત રહેશે. જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ફરીથી આ તમામ એકમોના જોડાણો શરૂ કરી નહીં શકાય.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ ફેલાવતા અનેક એકમોના ડ્રેનેજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.  એએમસીની આ કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં 11 જેટલા એકમોએ અરજી કરી હતી. જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

પર્યાવરણ અને લોકોના આરોગ્યના ભોગે પ્રદૂષણ ફેલાવતા આ પ્રકારના એકમોને મંજૂરી નહી મળે – તેમ હાઇકોર્ટે પોતાના હુકમનું અવલોકન કરતા આદેશ કર્યો છે કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આવા એકમોના ડ્રેનેજ જોડાણ યથાવત રહેશે.