અમદાવાદ શહેર આરોગ્ય વિભાગની મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી : ૩૪૯ને નોટીસ આપી

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ હવે ઊંઘમાંથી જાગી મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી શરૂ કરી છે. આજે ગુરુવારે હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં નિકોલમાં પંચમ મોલ, ઉના કોમ્પ્લેક્ષ, પ્લેટિનિયમ પ્લાઝા, રાણીપમાં સાવન સ્કવેર, અમરાઇવાડીમાં આસિમા ગ્રૂપ ઓફ કંપની, બહેરામપુરામાં આર.વી ડેનિમ, ચાંદખેડા નક્ષત્ર મોલ, નવરંગપુરા દેવનંદન મોલ સહિતના કોમ્પ્લેક્ષમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા તેઓને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. હેલ્થ વિભાગે શહેરના ૫૧૧ જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૪૮ એકમોને નોટીસ ફટકારી અને દંડ વસૂલવામાં આવ્યો છે.

૬ લાખ ૬૯ હજાર જેટલો દંડ આજે કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવ્યો છે.અલગ અલગ ૭ ઝોનમાં આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નોટીસ તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્થ વિભાગ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પણ અનેક વખત સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ જ પાણી ભરી રાખવાનું કહ્યું છે. પાણીની ટાંકીના ઢાંકણ ફિટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ અનેક એકમો બેદરકારી દાખવે છે. જેથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છર ઉપદ્રવ ફેલાવે છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ખાલી પડેલા કારખાના, ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વરસાદી પાણીના નિકાલ માટેની સુચના આપવામાં આવી હતી. શહેરમાં રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરીયા અને ઝાડા ઉલટી સહિતના કેસો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોગચાળો વધતા મેલેરિયાની દવાના છંટકાવ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના સભ્યો દ્વારા વધતા જતાં રોગચાળાને લઈને ચિંતા કરવામાં આવી હતી. રોગચાળો વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ર્નિણય કરવામાં આવ્યું છે કે, શનિ-રવિની રજાઓમાં પણ ખાતાની કામગીરી ચાલુ છે. ઘરમાં વધુને વધુ ફોગિગ થાય. આ સાથે સફાઈ બરાબર થાય તેની પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.