ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામમાં પાણીની ટાંકી બની જોખમી….

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામમાં હવાડા વિસ્તાર માં આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે,અને વિસ્તારના લોકો માટે જોખમી બની છે. ધનસુરા તાલુકાના નવી શિણોલ ખાતે લગ-ભગ આડત્રીસ વર્ષ પહેલાં ગામના ભ્રાહ્મણો દ્વારા લોકોને તેમજ પશુઓને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે લગભગ દસ મીટર ઊંચી પાણી ની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું,પરંતુ હાલ આ ટાંકી જર્જરિત હાલતમાં છે તેમાંથી પાણી પણ ટપકી રહ્યું છે તેમજ ત્યાં ટાંકીનું પાસેજ લોકોના રહેઠાણ હોવાથી બાળકો ત્યાં રમતા હોય છે તેમજ ત્યાંથી રસ્તો પસાર થતો હોવાથી પશુપાલકો તેમજ ખેતરમાં જતાં ખેડૂતોની અવર જવરના કારણે આ જર્જરિત પાણીની ટાંકી ક્યારેક જોખમી બની જાય તો નવાઈ નહી.

હવાડા વિસ્તારમાં રહેતાં ગ્રામવાસીઓ ના જણાવ્યા મુજબ તેમના બાળકો અહિયાં ખુલ્લી જગ્યા હોવાથી રમતા હોય છે અને બાજુમાંજ રસ્તો પસાર થતો હોવાથી લોકોની અવર જવર રહેતી હોય છે,ત્યારે આ પાણીની ટાંકી એટલી ખરાબ હાલતમાં છેકે તે ગમે ત્યારે પડી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે માટે સત્વરે આ વર્ષો જૂની ટાંકીને જમીનદોસ્ત કરી નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે,સાથે સાથે પાસે આવેલા જર્જરિત કૂવાનું પણ સમાર કામ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ છે.

આ અંગે નવી શિણોલ ગામના સરપંચ નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે,અમે પાણી પુરવઠા તેમજ તાલુકા પંચાયતમાં પાણીની ટાંકીને પાડી નાખવાની મંજૂરી માગી હતી,પરંતુ તેમણે પાણીની ટાંકી સરકારી ન હોવાથી ગ્રામવાસીઓ તેમજ પંચાયતે ર્નિણય લેવા જણાવ્યું હતું. અને ગામના બ્રાહ્મણોએ ટાંકી બનાવી હોવાથી તેમજ તેનો વહીવટ પણ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતો હોવાથી પંચાયત પણ આ બાબતે કઈ ર્નિણય લઈ શકે તેમ નથી.