સુરતના એ.કે. રોડ પર કાપડ મિલમાં ભીષણ આગઃ ૪ લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ફાયરબ્રિગેડ દ્વારા ૨૫ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયરની કામગીરી દરમિયાન એક અધિકારીને પણ ઈજા પહોંચી છે. સુરતના વરાછા એ.કે. રોડ પર આવેલી લબ્ધી કાપડની મિલમાં ભીષણ આગ લાગી હતી.

આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. સુરતના વરાછા એ.કે. રોડ પર ભવાની સર્કલ નજીક લબ્ધી કાપડની મિલ આવેલી છે. મિલમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. મિલમાં કારીગરો કામ કરી રહ્યા હતા તે વેળાએ અચાનક આગ લાગી હતી. આગ લગતા જ મિલમાં નાસભાગ મચી જવા પામી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ બનાવની જાણ થતા સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી ૧૦થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મિલમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. મિલમાં આગ લગતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. લબ્ધી મિલ કાપડની મિલ છે અને તેમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો રહેલો હતો. જેથી આગ લાગતા આ કાપડનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું અનુમાન છે. આગના કારણે મિલમાં લાખોનું નુકશાનની આશંકા સેવવામાં આવી રહી છે.