સ્ટેરિકોટ હેલ્થ કેર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી

ગાંધીનગર માણેસા પાસે આવેલ ધોળાકુવાના પાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી. સર્જીકલ બેલ્ટ બનાવતી ફેકટરીમાં રવિવારે સાંજે કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે માણસા, વિજાપુર અને ગાંધીનગર ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. આગના કારણે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો દાઝ્‌યા હોવાનું જાણવા મળ્યું છે, ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. સર્જીકલ પટ્ટા બનાવતી સ્ટેરિકોટ હેલ્થ કેર નામની કંપનીમાં કોઈપણ કારણોસર ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હાજર સ્ટાફ દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે ફેક્ટરીમાં રહેલ કેમિકલ અને કોટનના જથ્થાને પગલે આગ કાબૂમાં આવી ન હતી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માણસા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. સ્થિતિને ગંભીરતાને જાેતા ગાંધીનગર તેમજ વિજાપુર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ત્રણે ટીમો દ્વારા આ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવાયો ન હતો. ફેક્ટરીમાં આગના કારણે નાના મોટા ધડાકા પણ ચાલુ હતા.