તળાજાના અલંગ શિપયાર્ડમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવેલા બે પ્લોટમાં સ્થિત સંતકૃપા ફર્નિચર નામે એક સેકન્ડ સેલ ઘરવખરી-રાચરચીલુંનું વેચાણ કરતાં પ્રવિણભાઇ નામનાં વેપારીના પ્લોટમાં સવારે કોઈ અજ્ઞાત કારણોસર આગ લાગતાં જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લોટમાં આગ પ્રસરી જવા પામી હતી.

આ ઘટનાની જાણ અલંગ ફાયરબ્રિગેડને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગરથી પણ ફાયરબ્રિગેડનો સ્ટાફ અલંગ દોડી ગયો હતો. આ આગને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્લોટની બાજુમાં મજૂરોની ખોલીઓ આવેલી હોય મજૂરોએ પોતાની ખોલીઓ બચાવવા દોડાદોડી કરી હતી.

આ આગના બનાવમાં મોટી માત્રામાં ફર્નિચરનો જથ્થો સળગી જવા પામ્યો હતો. જોકે, આગ લાગવાનું કારણ કે નુકશાનીનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે અલંગ પોલીસે તપાસ હાથ ધરી છે.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શિપયાર્ડમાં આવેલા એક સેકન્ડ સેલ પ્લોટમાં આકસ્મિક કારણોસર આગ લાગતાં કિંમતી ફર્નિચરનો જથ્થો સળગી જવા પામ્યો છે.