ઓર્કિડ હાઈટ્‌સના ૧૪મા માળે આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

શેલા એપલ વૂડના ઓર્કિડ હાઈટસના ૧૪મા માળના એક ફ્લેટમાં લાગેલી આગ આખા ફ્લેટમાં ફેલાઈ જતાં સોફ્ટવેર એન્જિનિયર યુવક બેડરૂમમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી કમ્પ્યૂટરો પર કામ કર્યા પછી સ્વીચ બંધ ન કરતાં હીટ પકડાઈ ગઈ હતી અને રૂમનું તાપમાન ૭૦ ડિગ્રીએ પહોંચી જતાં આગ લાગી હતી.

યુવકે ફાયર બ્રિગેડને ફોન કરતાં ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધા બાદ બેડરૂમનો દરવાજો તોડી યુવકને બહાર કાઢ્યો હતો. આખી રાત કમ્પ્યૂટર ચાલુ રહી જતાં ૭૦ ડિગ્રી સુધી ગરમી થવાથી ઓવરહીટના કારણે આગ લાગી હતી.

સોફ્ટવેર એન્જિનિયર હાર્દિક પટેલે કોમ્પ્યુટર પર કામ કર્યા બાદ કોમ્પ્યુટર ચાલુ રાખીને સુઈ જતાં ધુમાડાના કારણે શ્વાસ રુંધાતા હાર્દિકે જોયું તો તેનો બેડરૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. બેડરૂમની બહાર નીકળાય તેમ નહીં હોવાથી હાર્દિકે બાલ્કનીમાંથી બૂમો પાડતાં સિક્યોરિટી ગાર્ડ અને રહીશોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો ન ખુલતાં હાર્દિકે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. હાર્દિકના ઘરમાં ઘણાં કમ્પ્યૂટર હતા. જેના પર કામ કરતો હતો અને ત્યારબાદ બીજા બેડરૂમમાં સૂઈ ગયો હતો. જો કે રાતે કમ્પ્યૂટર ચાલુ રહી જતા ગરમીનો પારો ૭૦ ડિગ્રી સુધી પહોંચવાથી તેમાં આગ લાગતા તમામ કમ્પ્યૂટર, ફર્નિચર બળી ગયા હતા.