સુરતમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીના કારખાનામાં આગ લાગતાં ભાગદોડ મચી

સુરત ઉધના-મગદલ્લા રોડ પર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક કારખાનામાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવતા કારખાનાની આગને લઈ રાહદારીએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટલું જ નહીં પણ ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લેતા આજુબાજુના ખાતેદારોએ રાહતનો દમ લીધો હતો. જોકે વહેલી સવારે લાગેલી આગમાં અનેક વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી.

ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગનો કોલ લગભગ સવારે ૬ઃ૪૫ નો હતો. ઘટનાસ્થળે ધુમાડા સાથે આગ બહાર આવી રહી હતી. તાત્કાલિક પાણીનો મારો કરી આગને કાબૂમાં લેતા કોઈ મોટું નુકસાન નોંધાયું ન હતું. જોકે આગમાં ફર્નિચર, ટીવી, ફ્રિઝ, એસી, મોબાઈલ અને એની એસેસરીઝ સહિતનો સામાન બળી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ખાતું સંજયભાઈ નામના વ્યક્તિનું હતું અને મનોજ લાલકૃષ્ણ સ્વરાફ નામના વ્યક્તિએ ભાડા પર રાખ્યું હતું.

કમલ જરીવાળા (ફસ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે, હું ૩૦ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં જ રહું છું. સવારે મોર્નિંગ વોક પર નીકળ્યો હતો. ત્યારે ઘર પાછળના કારખાનામાંથી ધુમાડા નીકળતા જોઈ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ફાયર આવી જતા કોઈ મોટી જાનહાની નોંધાય ન હતી.