કતારગામમાં બંધ મકાનમાં આગ લાગતા ચકચારઃ ૪ મહિલાને બચાવાઇ

સુરતના કતારગામ દરવાજા ખાતે એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જીલાની બ્રિજના નીચેના મકાનમાં આગ લાગી હતી. મકાનમાં કોઈ પણ વ્યક્તિ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ સહિત ચાર મહિલાઓને ફાયર વિભાગ દ્વારા બચાવવામાં આવી હતી.

કતારગામ દરવાજા ખાતે આવેલા નાસીર નગરમાં આવેલા બે માળના મકાનમાં એકાએક આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે મકાનમાં આગ લાગી હતી તે મકાન માલિક જે છે તે ઘરની પાછળના ભાગે રહેતા હતા અને ભાડુઆત મકાન બંધ કરીને બહાર ગામ ગયો હતો. તે દરમિયાન આ આગનો બનાવ બનતા આસપાસના રહીશોએ ફાયર વિભાગને જાણ કરી હતી. મકાનની બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ તેમના ઉપરના માળે રહેતા અન્ય ત્રણ જેટલી મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી.

ઘરમાં આગ લાગી હતી તેમાં કોઈપણ વ્યક્તિ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે મકાનમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતા રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાના કારણે ઘર વખરી અને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.