વડોદરાનાં લામડાપુરા રોડ પર આવેલી કંપનીમાં ભીષણ આગ ફાટી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.કંપનીમાં લાકડાના ફર્નિચરનું ઉત્પાદન થતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની પ્રચંડ જ્વાળાઓએ વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ, કંપની બળીને ખાખ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ ઉપર સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં લાકડાના દરવાજા અને અન્ય લાકડાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. મળસ્કે એકા એક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં લાકડાનો સામાન હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા આજુબાજુના ગ્રામજનો કંપની પાસે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આગ વિકરાળ હોવાના કારણે ગ્રામ્યજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

ફર્નિચર બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગની જાણ પ્રથમ સાવલી ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. પરંતુ, આગ વિકરાળ હોવાથી વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવાર તુરંત જ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરતી અટકાવવા માટે ચારેકોરથી પાણી મારો શરૂ કરાવ્યો હતો. આ આગને બુઝાવવા માટે મંજુસર જીઆઇડીસીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી. સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તેની ચોક્કસ માહિતી આવી નથી. આ કંપનીની આજુબાજુ સિંનકેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બેજ મેટલ જેવી કેમિકલ કંપની આવેલી છે.

નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે કેમિકલ કંપની વચ્ચે આવેલી લાકડાની ચીજ વસ્તુ બનાવતી કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. આગને કાબુમાં લેવાના કોઈ સાધનો કંપની પાસે ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું. આગને કારણે મોટાભાગે કંપની બળીને ભસ્મ થઈ જવા પામી હતી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આગ સવારે લાગી હતી. જોકે, સુધી પણ કાબુમાં આવી ન હતી.