ખેડાના ૩૨ ગામોના કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સાબરમતી વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના તાબા હેઠળ ગોબલજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ કચેરી કાર્યરત થવાથી ખેડા તાલુકાના ૩૨ ગામોને જુદા જુદા ૭ સબ સ્ટેશનમાંથી કુલ ૩૩ ફીડરો અને ૧૨૦૦ ટ્રાન્સફોર્મર દ્વારા કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેનાથી ગોબલજ સહિતના વિસ્તારના લોકોને સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે અને ગ્રાહક લક્ષી સુવિધાઓ વધુ વેગવંતી બનશે.
આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, યુજીવીસીએલના મુખ્ય ઇજનેર વી. એમ. શ્રોફ, યુજીવીસીએલ સાબરમતી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર આર.ડી.ઝાલા, મામલતદાર અગરસિંહ ચૌહાણ, સાબરમતી વિભાગીય કચેરીના કર્મચારીઓ, ગોબલજ ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.