GPCBએ ગંભીર નિયમભંગ બદલ જંબુસરની મગણાદની સેફ એન્વાયરો પ્રા.લિ.ને તમામ પ્રવૃત્તિ બંધ કરવા આપ્યો આદેશ

  • ચોમાસામાં TSDF સાઇટ પર દૂષિત પાણી અને લીચેટનો ખતરો: GPCB તપાસમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ 
  • 70,879 કેએલ દૂષિત પાણી અને 47,102 કેએલ લીચેટનો સંગ્રહ; ખેડૂતના બોરવેલના નમૂનામાં TDS, ક્લોરાઇડ, COD, આયર્ન અને નિકલના પરિમાણો નોંધાયા
  • સુપ્રીમ કોર્ટના તાજેતરના અભિગમથી પર્યાવરણીય વળતરની નવી દિશા; નુકસાન, રિમેન્ડિએશન અને રિસ્ટોરેશનના ખર્ચને વૈજ્ઞાનિક રીતે આંકવાની જરૂર
  • GPCBના બોરવેલ સેમ્પલમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ નોંધાયા બાદ આસપાસના વિસ્તારમાં વધુ વૈજ્ઞાનિક તપાસ બની મહત્વપૂર્ણ

જંબુસર તાલુકાના મગણાદ ગામની સીમમાં આવેલી મે. સેફ એન્વાયરો પ્રા. લિ.ની TSDF સાઇટ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (GPCB) 6 ઓગસ્ટ, 2026ના રોજ વોટર એક્ટની કલમ 33-એ હેઠળ કડક દિશા-નિર્દેશો જારી કર્યા છે. GPCBના આદેશ મુજબ, 22 જુલાઈ, 2026ના રોજ સાઇટનું નિરીક્ષણ એક ફરિયાદના આધારે તેમજ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી રીટ પીટિશન (PIL) No. 22 of 2025માં 17 જુલાઈ, 2026ના રોજ થયેલા મૌખિક આદેશના અનુસંધાને કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન સાઇટ આંશિક કામગીરીમાં હતી અને લેન્ડફિલિંગ પ્રવૃત્તિ ચાલુ ન હોવાનું નોંધાયું હતું.

GPCBના આદેશ મુજબ, જોખમી કચરો લઈ જતા વાહનોના લીકેજને કારણે અમોડ-જંબુસર હાઇવેને જોડતા કાચા રસ્તા પર દૂષિત પાણી એકઠું થયું હતું. નિરીક્ષણ દરમિયાન આ પાણી પંપ કરીને 200 લિટરના HDPE/મેટલ ડ્રમ તથા કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવતું હોવાનું પણ નોંધાયું હતું. સાઇટની અંદરના RCC ડ્રેઇન તથા વરસાદી પાણીની વ્યવસ્થામાં પણ દૂષિત પાણી જોવા મળ્યું હતું.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે સાઇટના 9 પોન્ડમાં 70,879 કેએલ દૂષિત પાણી અને 3 લીચેટ પોન્ડમાં 47,102 કેએલ લીચેટ સંગ્રહિત હોવાનું GPCBના નિરીક્ષણમાં નોંધાયું છે. સાથે જ ETP અને RO પ્લાન્ટ વીજ પુરવઠાની સમસ્યાને કારણે કાર્યરત ન હોવાનું પણ સામે આવ્યું હતું.

બોરવેલના પાણીમાં ગુણવત્તા બગડ્યાનું GPCBનું તારણ વિશે વાત કરીએ તો, GPCBએ કુદરતી ડ્રેઇન, રસ્તા અને અન્ય સ્થળોએથી પાણીના નમૂના લીધા હતા. તેમાં TDS, ક્લોરાઇડ, COD, BOD સહિતના વિવિધ પ્રદૂષક પરિમાણો નોંધાયા હતા.

આ ઉપરાંત, સાઇટથી આશરે 150 મીટર ડાઉનસ્ટ્રીમ તરફ આવેલા ખેડૂતના બોરવેલના નમૂનામાં TDS 2,323 mg/L, ક્લોરાઇડ 2,030 mg/L, COD 43 mg/L, આયર્ન 9.42 mg/L અને નિકલ 0.12 mg/L નોંધાયા હતા. GPCBએ આ પરિણામોને સેમ્પલિંગ સ્થળે ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ દર્શાવતું ગણાવ્યું છે.

લીચેટ પોન્ડમાંથી લેવાયેલા નમૂનામાં પ્રદૂષણના પરિમાણો વધુ ઊંચા જોવા મળ્યા હતા. તેમાં TDS 39,834 mg/L, ક્લોરાઇડ 18,747 mg/L, COD 4,415 mg/L અને BOD 602 mg/L નોંધાયા હતા.

જોકે, હાલના GPCB આદેશના આધારે માત્ર આ પરીક્ષણોના આધારે લીચેટ જ ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડનું કારણ છે એવું અંતિમ તારણ આપવું યોગ્ય નહીં બને. તેના માટે વધુ વૈજ્ઞાનિક અને સ્થળ-વિશિષ્ટ તપાસ જરૂરી રહેશે.

આ ગેરરીતિઓને પગલે GPCBએ વોટર એક્ટની કલમ 33-A હેઠળ કંપનીને વધુ આદેશ સુધી જોખમી તથા અન્ય કચરો સ્વીકારવા, સાઇટ પર લાવવા, પરિવહન, ટ્રીટમેન્ટ, સંગ્રહ અને નિકાલની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ રાખવા જણાવ્યું છે.

સાથે જ દૂષિત પાણી, લીચેટ અથવા દૂષિત વરસાદી પાણી સાઇટની બહાર કોઈપણ સંજોગોમાં ન જાય તેની ખાતરી કરવા, રસ્તા અને સાઇટ પર એકઠું થયેલું દૂષિત પાણી તાત્કાલિક કલેક્શન સિસ્ટમમાં લઈ જવા તથા 70,879 કેએલ દૂષિત પાણી અને 47,102 કેએલ લીચેટના નિકાલ માટે સમયબદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

GPCBએ જોખમી કચરો લઈ જતા વાહનો લીકપ્રૂફ અને યોગ્ય રીતે ઢંકાયેલા રાખવા, વરસાદી પાણી અને દૂષિત પાણી અલગ રહે તે માટે ડ્રેઇન-ડ્રેનેજ વ્યવસ્થા જાળવવા અને ETP તથા RO પ્લાન્ટ સતત કાર્યરત રાખવા પણ નિર્દેશ આપ્યો છે. કંપનીને રૂ.10 લાખની એક વર્ષની બેંક ગેરંટી રજૂ કરવાનો આદેશ પણ અપાયો છે.

મગણાદની ઘટના માત્ર એક TSDFની કામગીરી પૂરતી મર્યાદિત નથી. વરસાદી પાણી જ્યારે જોખમી અથવા અન્ય કચરાના સંપર્કમાં આવે છે ત્યારે તેમાં રહેલા દ્રાવ્ય પ્રદૂષકો સાથે ભળી દૂષિત પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે. જો આવા પાણીનું યોગ્ય કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિયંત્રણ ન થાય તો તે જમીન અને આસપાસના જળસ્રોતો માટે જોખમ ઊભું થાય છે.

વરસાદ પ્રદૂષણને ગાયબ કરતો નથી; તે પ્રદૂષકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે. ખાસ કરીને ખુલ્લા વિસ્તાર, વરસાદી ગટર અથવા નીચાણવાળા વિસ્તારમાં દૂષિત પાણી એકઠું થાય ત્યારે તેની અસરનો વિસ્તાર વધી શકે છે.

GPCBના બોરવેલ સેમ્પલમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ નોંધાયા બાદ આસપાસના વિસ્તારમાં વધુ વૈજ્ઞાનિક તપાસ મહત્વપૂર્ણ બની જાય છે. માત્ર TSDFની અંદરના પાણીની તપાસ પૂરતી નથી. આસપાસના કૂવા અને બોરવેલનું નિયમિત સેમ્પલિંગ, જમીન નમૂના (Soil Sampling) તથા જરૂરી હોય ત્યાં ડાયડ્રોજીયોલોજિકલ એસેસમેન્ટથી પ્રદૂષણની સ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળી શકે છે.

પ્રી-મોન્સૂન, મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન સેમ્પલિંગથી પાણીની ગુણવત્તામાં થતા ફેરફારોનો ટ્રેન્ડ પણ જાણી શકાય છે. હાલના GPCB તારણને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું મોનિટરિંગ પણ મહત્વનું બની શકે છે.

જો દૂષિત ભૂગર્ભ જળ સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય તો જમીન અને ખેતી પર તેની સંભવિત અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે. તેથી પાણીના સેમ્પલની સાથે અસરગ્રસ્ત વિસ્તારની જમીન અને ખેતીની જમીનના નમૂનાઓની તપાસ પણ ઉપયોગી બની શકે છે.

માત્ર સાઇટ પરથી દૂષિત પાણી દૂર કરવાથી સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાય છે કે નહીં તે જાણવા માટે પ્રદૂષણ ક્યાં સુધી પહોંચ્યું છે અને ભૂગર્ભ જળની ગુણવત્તા સમય સાથે કેવી રીતે બદલાય છે તેનું મોનિટરિંગ જરૂરી રહેશે.

પર્યાવરણને થયેલા નુકસાનનું મૂલ્યાંકન માત્ર નિયમભંગ અથવા કચરાના જથ્થા સુધી મર્યાદિત રહેવું જરૂરી નથી. જો વૈજ્ઞાનિક તપાસથી પર્યાવરણીય નુકસાનની કડી સ્થાપિત થાય તો જમીન, ભૂગર્ભ જળ અને અન્ય અસરગ્રસ્ત સંસાધનોને થયેલા નુકસાન ઉપરાંત રિમેન્ડિએશન અને રિસ્ટોરેશનના ખર્ચને પણ ધ્યાનમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. રિસ્ટોરેશન

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ સંદર્ભમાં Amravati Municipal Corporation v. Ganesh Dadarao Anasane & Ors., 4 ઓગસ્ટ 2026ના સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયમાં પર્યાવરણીય વળતર નક્કી કરવા માટે મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્રને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 હેઠળ પર્યાવરણીય વળતર માટે માર્ગદર્શિકા ઘડવા પણ નિર્દેશ આપ્યો છે અને વળતરને પ્રદૂષણથી થયેલા નુકસાન સાથે પ્રમાણસર જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ અભિગમમાં પર્યાવરણીય વળતરને માત્ર દંડ તરીકે જોવાને બદલે પર્યાવરણીય નુકસાનના મૂલ્યાંકન અને Polluter Pays Principle સાથે જોડવાનો પ્રયાસ જોવા મળે છે. મગણાદ જેવી સ્થિતિમાં, જો આગળની વૈજ્ઞાનિક તપાસથી પ્રદૂષણ અને પર્યાવરણીય નુકસાનની કડી સ્થાપિત થાય, તો રિમેન્ડિએશન અને રિસ્ટોરેશનના ખર્ચની જવાબદારીનો પ્રશ્ન મહત્વનો બની શકે છે.

મગણાદની ઘટના એક મહત્વપૂર્ણ ચેતવણી બની શકે છે. GPCBના આદેશમાં હાલ દૂષિત પાણી અને લીચેટના નિયંત્રણ, સંગ્રહ અને નિકાલ માટે તાત્કાલિક પગલાં નક્કી કરવામાં આવ્યા છે. હવે આગળની વૈજ્ઞાનિક તપાસ એ નક્કી કરવામાં મહત્વની રહેશે કે ભૂગર્ભ જળની ગુણવત્તામાં નોંધાયેલ બગાડનું કારણ શું છે, પ્રદૂષણની અસર કેટલા વિસ્તારમાં છે અને જરૂરી હોય તો પર્યાવરણના પુનઃસ્થાપન માટે કેટલી કાર્યવાહી કરવી પડશે.

ભલે કચરો જમીનની ઉપર દેખાતો હોય, પરંતુ તેની અસર જમીનની નીચે પણ થતી હોય છે. તેથી હવે માત્ર દૂષિત પાણી અને લીચેટ દૂર કરવાની નહીં, પરંતુ જમીન, ભૂગર્ભ જળ અને આસપાસના પર્યાવરણની લાંબા ગાળાની સ્થિતિનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ એટલું જ જરૂરી બની જાય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news