જોજરી-બાંડી-લૂણી નદી પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક કડક આદેશ: રાજસ્થાનમાં ઇન્ટિગ્રેટેડ કોર્ડિનેશન ગ્રુપ અને રીવર કમિશનની રચનાના નિર્દેશ
ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં સમયબદ્ધ કોમ્પ્રિહેન્સિવ રિઝોલ્યુશન પ્લાન, નદી પુનર્જીવન, ભૂગર્ભજળ સંરક્ષણ, CETP સુધારા, કેપ્ટિવ ETP, ક્યૂઆર કોડ ફરિયાદ વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ
નવી દિલ્હીઃ જોજરી-બાંડી-લૂણી નદી પ્રણાલીમાં વર્ષોથી ચાલી રહેલા ગંભીર ઔદ્યોગિક પ્રદૂષણ સામે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઐતિહાસિક અને દૂરગામી અસર ધરાવતો વ્યાપક આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે નોંધ્યું કે આ મામલો માત્ર થોડાક ઉદ્યોગો દ્વારા થયેલા પ્રદૂષણનો નથી, પરંતુ સમગ્ર પર્યાવરણીય શાસન વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. કોર્ટ સમક્ષ આવેલા અહેવાલોમાં જળાશયો, ભૂગર્ભજળ, કૃષિ જમીન, વન્યજીવ આવાસ અને નદી પ્રણાલીના વ્યાપક પ્રદૂષણ તથા નિયમનકારી તંત્રની ખામીઓ સામે આવી છે, જેના આધારે કોર્ટે રાજ્યમાં સંકલિત અને જવાબદારી આધારિત પર્યાવરણીય વ્યવસ્થા ઉભી કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
લેખિત આદેશમાં કોર્ટે ખાસ કરીને કોઈપણ અનટ્રીટેડ અથવા અપૂરતી રીતે પ્રક્રિયા કરાયેલ ઇન્ડસ્ટ્રિયલ એફ્લુએન્ટ નદીમાં પ્રવેશ ન કરે તેની ખાતરી કરવા પર ભાર મૂક્યો છે. સાથે જ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD), શુદ્ધ કરાયેલા પાણીના પુનઃઉપયોગ અને ઔદ્યોગિક ગંદાપાણીના વિકેન્દ્રિત શુદ્ધિકરણને પ્રોત્સાહન આપ્યું છે.
રાજ્યમાં વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સાત દિવસની અંદર ઇન્ટિગ્રેટેડ કોર્ડિનેશન ગ્રુપ રચવાનો આદેશ આપ્યો છે. આ સમૂહમાં પર્યાવરણ, વન, જળસંપત્તિ, ઉદ્યોગ, શહેરી વિકાસ, આવક, કૃષિ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, રાજસ્થાન સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (RSPCB) સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે. આ સમૂહ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ-લેવલ ઇકોસિસ્ટમ ઓવરસાઇટ કમિટી સાથે પરામર્શ કરીને ત્રણ સપ્તાહની અંદર કોમ્પ્રિહેન્સિવ રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરશે, જેમાં પ્રદૂષણ નિયંત્રણ, નદી પુનર્જીવન, ભૂગર્ભજળ સંરક્ષણ, જૈવવિવિધતા, જવાબદાર વિભાગો, સમયમર્યાદા અને અમલીકરણની સ્પષ્ટ રૂપરેખા રજૂ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં સ્વતંત્ર અને સશક્ત રીવર કમિશન/ રીવર રિજુવેનેશન ઓથોરિટી રચવાનો પણ આદેશ આપ્યો છે, જે સમગ્ર રાજસ્થાનમાં નદીઓ, નદી તટપ્રદેશ અને રીવર બેસિન મેનેજમેન્ટ માટે જવાબદાર રહેશે. આ સત્તામંડળ શરૂઆતમાં ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં કાર્ય કરશે અને હાઈ ફ્લડ લાઇનનું વૈજ્ઞાનિક નિર્ધારણ, ઇકોલોજિકલ બફર ઝોનની રચના તથા નદી પ્રણાલીના સંરક્ષણનું સંકલિત સંચાલન કરશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાઈ ફ્લડ લાઇન અને ઇકોલોજિકલ બફર ઝોનનું વૈજ્ઞાનિક નિર્ધારણ પૂર્ણ ન થાય ત્યાં સુધી નદી કિનારે નવા ઔદ્યોગિક, વ્યાપારી અથવા રહેણાંક વિકાસને મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં નદી પ્રણાલીના વૈજ્ઞાનિક સંરક્ષણ માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
એમ્બી વેલી અને ખેડ ખાતે વર્ષોથી સંગ્રહિત ઔદ્યોગિક ગંદા પાણી અને જોખમી કાદવના વૈજ્ઞાનિક નિકાલ, HRTS માળખાં દૂર કરીને સમગ્ર વિસ્તારને હરિયાળા ઇકોલોજિકલ ઝોન અથવા અર્બન ફોરેસ્ટ તરીકે વિકસાવવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે. સ્થાનિક પ્રજાતિના વૃક્ષારોપણ અને જૈવવિવિધતા સંરક્ષણ દ્વારા આ વિસ્તારોનું લાંબા ગાળાનું પર્યાવરણીય પુનઃસ્થાપન કરવામાં આવશે.
ઔદ્યોગિક ગંદાપાણીના વિકેન્દ્રિત શુદ્ધિકરણને પ્રોત્સાહન આપવા માટે કોર્ટે રાજ્ય સરકારને દરરોજ 100 KLD અથવા તેથી વધુ ઔદ્યોગિક ગંદાપાણી ઉત્પન્ન કરતા ઉદ્યોગો માટે કેપ્ટિવ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (ETPs) સ્થાપવાની શક્યતા તપાસી, જ્યાં ટેકનિકલી અને આર્થિક રીતે શક્ય હોય ત્યાં તેને પ્રોત્સાહિત કરવાની સૂચના આપી છે. RSPCBને કેપ્ટિવ ETP સ્થાપવા માટેની બાકી અરજીઓનો કાયદા મુજબ ઝડપથી નિકાલ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે CETPની કાર્યક્ષમતા વધારવા, બાકી કનેક્ટિવિટી પૂર્ણ કરવા તથા જરૂરી હોય ત્યાં નવા CETP સ્થાપવાના વિકલ્પો પર પણ વિચારવાનો ભાર મૂકવામાં આવ્યો છે.
કોર્ટએ RIICOના કાકાણી ઇન્ડસ્ટ્રિયલ એરિયા (Kakani Industrial Area) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે હાઈ ફ્લડ એરિયાની નજીક ઔદ્યોગિક વિકાસ પર્યાવરણીય જોખમ ઊભું કરી શકે છે. તેથી હાઈ ફ્લડ લાઇન નક્કી થયા બાદ સમગ્ર લેઆઉટની સમીક્ષા કરીને જરૂરી હોય ત્યાં લેઆઉટમાં ફેરફાર, અસરગ્રસ્ત પ્લોટોના સ્થળાંતર તથા અન્ય પર્યાવરણીય સુરક્ષા પગલાં લેવા જણાવ્યું છે. એમ્બે વેલી ઇન્ડસ્ટિરયલ પાર્ક (Ambey Valley Industrial Park)માં જમીન રૂપાંતર, માસ્ટર પ્લાનથી થયેલા વિચલન, ઔદ્યોગિક પ્લોટોની ફાળવણી તથા અન્ય અનિયમિતતાઓની તપાસ ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે SITને તમામ બાકી ફોજદારી કેસોની તપાસ વધુ ઝડપથી, નિષ્પક્ષ અને વ્યાપક રીતે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તપાસ માત્ર ઉદ્યોગો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ CETPના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ તથા અન્ય કોઈપણ જવાબદાર વ્યક્તિની ભૂમિકાની પણ કાયદા મુજબ તપાસ કરવામાં આવશે અને પૂરતા પુરાવા મળે તો યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પર્યાવરણીય ઉલ્લંઘનો અંગે નાગરિકોની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કોર્ટએ રાજ્ય સરકારને ક્યૂઆર (QR Code) આધારિત Integrated Public Reporting and Environmental Grievance Redressal Mechanism શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ નાગરિક ગેરકાયદે ઔદ્યોગિક પ્રદૂષણ, જોખમી કચરાનો નિકાલ, ભૂગર્ભજળનો ગેરકાયદે ઉપયોગ, નદી પર દબાણ, ગેરકાયદે ખનન અથવા અન્ય પર્યાવરણીય ઉલ્લંઘનની માહિતી ફોટો, વીડિયો અને Geo-tag સાથે સીધી સરકાર સુધી પહોંચાડી શકશે. ફરિયાદોની ડિજિટલ ટ્રેકિંગ વ્યવસ્થા ઉપરાંત વિશ્વસનીય માહિતી આપનારાઓ માટે યોગ્ય પ્રોત્સાહન યોજના અમલમાં મૂકી શકાય તેની શક્યતા પણ રાજ્ય સરકારને તપાસવા જણાવ્યું છે.
કોર્ટએ ભૂગર્ભજળ સંરક્ષણને પણ વિશેષ પ્રાથમિકતા આપતાં રાજ્ય સરકારને ભૂગર્ભજળના અતિશય ઉપયોગ પર નિયંત્રણ, શુદ્ધ કરાયેલા પાણીના પુનઃઉપયોગ, ગ્રાઉન્ડવોટર રીચાર્જ, નિયમિત વોટર ક્વાલિટી મોનિટરિંગ તથા વૈજ્ઞાનિક સંચાલનની વ્યૂહરચના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ Over-exploited અથવા Dark Zone તરીકે ઓળખાયેલા વિસ્તારોમાં નવા Water-Intensive Industriesને મંજૂરી ન આપવા પણ સ્પષ્ટ જણાવ્યું છે.
તે ઉપરાંત, જોજરી-બાંડી-લૂણી નદી પ્રણાલીમાં આવેલા Riverbed, Floodplain અને Ecological Buffer Zoneમાં થયેલા ગેરકાયદે દબાણો અને ગેરકાયદે ખનનની ઓળખ કરીને સમયબદ્ધ રીતે દૂર કરવાની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે Integrated Coordination Groupને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણીય શાસન મજબૂત કરવાની પણ સૂચના આપી છે. તેમાં Digitisation of Land Records, GIS આધારિત મોનિટરિંગ, Satellite Mapping, Geo-spatial Technology અને Artificial Intelligence (AI) આધારિત દેખરેખ જેવી આધુનિક પદ્ધતિઓનો સમાવેશ કરવાનો ભાર મૂકવામાં આવ્યો છે.
કોર્ટએ નોંધ્યું કે રાજ્ય સરકારના અહેવાલમાં Rajasthan State Pollution Control Board (RSPCB)ના જવાબદાર અધિકારીઓ સામે લેવાયેલી કાર્યવાહી અંગે કોઈ વિગતો રજૂ કરવામાં આવી નથી. તેથી ત્રણ દિવસની અંદર સંબંધિત કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ કમિટી સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જોજરી નદીમાં વ્યાપક ઔદ્યોગિક પ્રદૂષણ દર્શાવતી એક ડોક્યુમેન્ટરીના આધારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2025માં સ્વયં સંજ્ઞાન (Suo Motu) લઈને શરૂ કરી હતી. અંદાજે 20 લાખ લોકોના જીવન, પીવાના પાણી અને પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને કોર્ટે નિવૃત્ત ન્યાયમૂર્તિ સંગીત લોઢાની અધ્યક્ષતામાં High-Level Ecosystem Oversight Committeeની રચના કરી હતી. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે હાલ જોજરી-બાંડી-લૂણી નદી પ્રણાલીમાં આ સંસ્થાકીય વ્યવસ્થાના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તેની અસરકારકતા પરખ્યા બાદ ભવિષ્યમાં રાજસ્થાનની અન્ય નદી પ્રણાલીઓમાં પણ આવું જ માળખું અપનાવવાની શક્યતા પર વિચાર કરવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ થશે, જેમાં Integrated Coordination Group દ્વારા તૈયાર કરાયેલા Comprehensive Resolution Plan પર વિચારણા કરવામાં આવશે.
File Photo









