સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે અડાજણના શ્રીજી આર્કેડની ૩૯૨ દુકાનો સીલ

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય છે. છતાં પણ ફાયર સેફ્ટી ઉભી ન કરાતા અડાજણમાં આવેલા શ્રીજી આર્કેટની ૩૯૨ દુકાનો સીલ કરી દેવામાં આવી છે.

અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેટમાં આ પહેલા પણ નોટિસ આપી સીલ માર્યા હતા. ત્યારે ફાયર સેફ્ટી ઉભી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. જાેકે, ત્યારબાદ પણ ફાયર સેફ્ટી ઉભી કરી ન હતી. દરમિયાન ફાયર વિભાગ વધુ ત્રણ નોટિસ આપી હતી. છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા આજે વહેલી સવારે ૫ અધિકારી અને ૨૮ ફાયર જવાનો દ્વારા શ્રીજી આર્કેડની ૩૯૨ દુકાનોને સીલ મારી દીધું હતું.

સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટમાં આગની ઘટનાઓ અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની હજારોની સંખ્યામાં ફાયર સેફ્ટીની નોટિસો આપવામાં આવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જાેકે હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવતાં ફાયર વિભાગે લાલ આંખ કરી છે.