અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં બુધવારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી દ્વારા એક પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતુ કે 31, ડિસેમ્બર, 2023ની સ્થિતિએ અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમો ત્રણ જેટલા પ્રાણઘાતક અકસ્માતો થયા હતા, જેમાં કુલ 30 જેટલા કામદારોના મોત થયા છે.

વર્ષ 2022માં 18 અને 2023માં 12 એમ મળી છેલ્લા બે વર્ષમાં કુલ 30 કામદારોના મોત થયા છે. આ અકસ્માતોના સંદર્ભે 2022માં 16 અને 2023માં 11 ઔદ્યોગિક એકમો સામે અનુક્રમે 77 અને 11 ફોજદારી કેસો કરી રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા લેવાયેલા પગલા વિશે જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે કારખાનાઓમાં, કારખાના અધિનિયમ 1948 અને ગુજરાત કારખાનાના નિયમ 1963 મુજબ નિરિક્ષણ કરવામાં આવ્યું છે. આ નિરિક્ષણ દરમિયાન સદરહૂ કાયદા તથા નિયમનો ભંગ જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, શ્રમયોગીઓ તથા કબ્જેદારોમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ અંગે જાગૃત્તિ વધારવા સેફ્ટી સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું તેમ જણાવવામાં આવ્યું હતુ.

વિધાનસભા ગૃહમાં બુધવારે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી.