વલસાડમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના ૩.૭ રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. ૨ હળવા આંચકાથી લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાની વાતો શેર કરી હતી.

ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના ધૂંદલવાડી વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી છેલ્લાં આઠ મહિનાથી ભૂકંપના આંચકાથી ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડા ધ્રૂજી રહ્યાં છે. આજે ઉમરગામ સહિત મહારાષ્ટ્રના તલાંસરી, બોરડી અને દાહાનુ સહિતના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાની ચર્ચા સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડાંક દિવસ અગાઉ જ કચ્છમાં પણ ૪.૨ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બપોરના ૩: ૪૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી ઉત્તર પૂર્વમાં આવેલું હતું.