છત્રાલ જીઆઈડીસીની પેઢીમાં રેડ પાડી ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતાં ૭૯ લાખની કિંમતનો ૧૬ હજાર કિલો ગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે છત્રાલ જીઆઈડીસી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરવામાં આવી હતી, આ સ્થળેથી ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક જીગર પટેલની હાજરીમાં ઘીના કુલ ૧૫ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો ૭૯ લાખની કિંમતનો ૧૬,૧૫૯ કિલો ગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્ય પ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી હોવાનો તંત્રે દાવો કર્યો છે.

*Symbolic Image