ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. ઉચ્છલના નેશનલ પોલ્ટ્રીફાર્મમાં ૧૭,૦૦૦ મરઘી છે અને ત્યાં ગત શુક્રવારથી ઉચ્છલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી ફાર્મમાંથી ઈંડાં કે મરઘી બહાર કાઢવા પર પ્રતિબંધ છે.

સંભવતઃ મંગળવારથી તંત્ર મરઘીને કિલિંગ કરવાનું ઓપરેશન શરૂ કરશે. ઉચ્છલના કુલ ૪ પૉલ્ટ્રીફાર્મ પૈકી ૨ હાલમાં ખાલી છે અને ૨માં પક્ષીઓ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે નેશનલ ફાર્મ સિવાયના અન્ય ફાર્મમાં પણ તપાસ શરૂ કરાઈ છે. આ અંગે તાપીના જિલ્લા પશુપાલન નિરીક્ષક અક્ષય શાહે કહ્યું કે, ઉચ્છલના નેશનલ પૉલ્ટ્રીફાર્મમાંથી ગત ૧૩મી એ ૬ સેમ્પલ બર્ડફલુની તપાસ અર્થે લેબમાં મોકલ્યા હતા જેમાં ૨ પોઝિટિવ હોવાનો રિપોર્ટ સોમવારે આવ્યો છે. જેથી ડાયરેકટરને જાણ કરાતા ત્યાંથી પશુપાલન વિભાગનો સ્ટાફ અને સક્ષમ અધિકારીઓ ઉચ્છલ પહોંચી રહ્યા છે.

એકાદ દિવસ બાદ પૉલ્ટ્રીફાર્મના મરઘાનો નાશ કરાશે.અગાઉ વર્ષ ૨૦૦૬માં પણ નવાપુરથી ઉચ્છલમાં બર્ડફ્લુ પ્રસર્યો હતો. ત્યારે હાલમાં ફરી એક વાર રાજ્યમાં પ્રથમ વાર મરઘીમાં બર્ડફલુના કેસ ઉચ્છલમાં જોવા મળ્યા છે.