મોટા સમાચારઃ ચંદ્રયાન-3નો મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર

ચેન્નાઈઃ ચંદ્ર પર વિજય મેળવવા નીકળેલા ચંદ્રયાન-3 એ ગુરુવારે તેના મિશનમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે,  જેમાં વિક્રમ લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું અને તેની આગળની યાત્રા શરૂ કરી.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અનુસાર, હવે લેન્ડર રોવરને લઈને એકલા મુસાફરી કરશે અને તે 23 ઓગસ્ટની સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરવાનું છે. આ માટે તમામ કવાયત પૂર્ણ કરી લેવામાં આવી છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આ તબક્કાના સફળતાપૂર્વક પૂર્ણ થવાનો અર્થ એ છે કે ચંદ્રયાન 3ની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે.

ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, રોવર લેન્ડરમાંથી બહાર નીકળી જશે અને મિશનના ઉદ્દેશ્યો પૂર્ણ કરશે. આ મિશનની સફળતા બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ આ સિદ્ધિ મેળવી શક્યા છે.

ચંદ્રયાન 3 એ છેલ્લા ત્રણ અઠવાડિયામાં ઘણા તબક્કાઓમાંથી પસાર થઈને અને ચંદ્રની વિવિધ ભ્રમણકક્ષામાં પ્રવેશ કરીને આ મહત્વપૂર્ણ પગલું પૂર્ણ કર્યું છે.