વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪: સંદર્ભે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે

આગામી વાઈબ્રન્ટ ગુજરાત -૨૦૨૪ને લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રતિનિધિમંડળો દ્વારા વિદેશોમાંથી વ્યવસાયોને ગુજરાતમાં લાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાલ મલેશિયાની મુલાકાતે છે. પોતાની મુલાકાતના પ્રથમ દિવસે બલવંતસિંહ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

મંત્રી બલવંતસિંહ રાજપુત ગુજરાત અને મલેશિયા વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક જોડાણની શોધ કરવા અને વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪  માટે પ્રતિનિધિઓને આમંત્રિત કરવા માટે મલેશિયાની ૩ દિવસની મુલાકાતે છે. ત્યારે પોતાની મુલાકાતના પ્રથમ દિવસે મંત્રી બલવંતસિંહ રાજપુતે ગુજરાત અને મલેશિયા વચ્ચે પામ ઓઈલ ક્ષેત્રે વિવિધ તકો શોધવા પામ ઓઈલ પ્લાન્ટેશન અને રિફાઈનિંગની વિવિધ કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓને મળ્યા હતા. આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તેમણે ગુજરાતમાં પામ પ્લાન્ટેશન, આર. એન્ડ ડી. વિગેરે માટેની વિવિધ તકોની ચર્ચા કરી.

મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયા સરકારના રોકાણ, વેપાર અને ઉદ્યોગના માનનીય નાયબ મંત્રી એચ.ઇ. લિવ ચિન ટોંગ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ઉત્પાદન, કૌશલ્ય વિકાસ, ગિફ્ટ સિટીમાં તકો, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વગેરે સહિત બંને પ્રદેશો વચ્ચે સહયોગની વિવિધ તકો વિશે વ્યાપક ચર્ચા કરી હતી. બલવંતસિંહ રાજપુતે મલેશિયાના ઉપમંત્રીને જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રિત પણ કર્યાં હતા.

મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ એચ.ઇ. દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. વિદેશ રાજ્યમંત્રી રાજ રંજનસિંહની હાજરીમાં ઈન્ડિયા હાઉસ ખાતે કુઆલાલંપુરમાં ભારતના હાઈ કમિશનર ઉપસ્થિત રહેશે. ડિનર માટે મલેશિયાના બિઝનેસ ચેમ્બરના કેટલાક વડાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.