કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની ઘટના બનવા સામે આવી છે. આ ઘટનામાં કંપનીની સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને ધમકાવી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટના 1 જુલાઈની મધ્યરાત્રિએ 12.20થી 1 વાગ્યા વચ્ચે બનાવા પામી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ બન્ને ઇસમો સામે કિરી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિગત પ્રમાણે વડોદરાના પાદરાના દુધવાડા ગામે કીરી ઇન્ડસ્ટ્રીઝ નામે કંપની કાર્યરત છે. જેમાં તારીખ 1 જુલાઈની મધ્યરાત્રીએ VECLના કાર્યકારી સીઈઓ કેયુર પરીખ પોતાના સાગરિત સી.જી. ઝાલા સાથે કંપનીના પ્રાંગણમાં બિનકાયદેસર રીતે પોતાની કાર લઇને ઘુસી ગયા હતા. કંપનીના સિક્યોરીટીએ પ્રવેશ ન કરવા કહેતા અપશબ્દો બોલી, ગાર્ડ સાથે હાથાપાઇ કરી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો, બાદમાં કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 50થી 60 જેટલા વૃક્ષોને કાપી નાંખ્યા હતા. આ લોકોએ સલામતિ ગાર્ડ્સના તમામ મોબાઈલ ફોન જપ્ત કરી લીધાં હતા. આ બનાવમાં કંપનીને પણ નુક્શાન પહોંચે તે રીતે ખોદકામ કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરોમાં કેદ થઇ જવા પામી હતી. તેથી કીરી કંપનીમાં સીએફઓ તરીકે ફરજ નીભાવતા અને વડોદરાના સમતા વિસ્તારની સુરભી પાર્કમાં રહેતા જયેશભાઈ ગજાનંદભાઈ વ્યાસે સીસીટીવી ફૂટેજના પુરાવા આપી ઉપરોક્ત બન્ને ઈસમો સામે વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓ સામે દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વિના કંપનીમાં પ્રવેશ કરી કંપનીને નુક્શાન પહોંડવાના ઈરાદે કંપીનીની દિવાલને નુક્શાન પહોંચે તે રીતે 50થી 60 વૃક્ષો કાપી નાખવા અને કંપની સિક્યોરિટીને અપશબ્દો બોલવા બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.