ધોળકાઃ એસટીપી પ્લાન્ટમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત, મૃતદેહની શોધખોળ ચાલુ

અમદાવાદઃ ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થતા સ્થાનિક દ્વારા બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરમાં ગરકાવ થઇ ગયેલા બન્ને કામદારોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થવાની ઘટના બનવા પામી હતી. પુલેન સર્કલ પાસે આવેલા એસટીપી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ખાતે બનાવ બનવા પામ્યો હતો. પીસી સ્નેહલ કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બે કામદારોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. બન્ને કામદારોના મૃતદેહોની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકની હાલત પણ ગંભીર થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ધોળકા અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક બન્ને કામદારો ગોપાલભાઈ પઢાર અને બીજલભાઈ પઢાર બન્ને શિયાળ ગામ તા. બાવળાના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે