પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ 73 વર્ષે નિધન

પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયુ છે. 73 વર્ષીય તારિક ફતેહનું કેન્સર સામેની લાંબી લડાઈ બાદ નિધન થયુ છે. તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વિટરના માધ્યમથી તેમના નિધનની પુષ્ટિ આપી છે. તારિક ફતેહનો જન્મ 1949માં પાકિસ્તાનમાં થયો હતો અને 1980ના દશકની શરૂઆતમાં તેઓ કેનેડા સ્થાનાંતરિત થયા હતા.

નાતાશાએ ટ્વિટ કરી કે પંજાબનો સિંહ, હિન્દુસ્તાનનો પુત્ર, કેનેડાનો પ્રેમી, સત્યવક્તા, ન્યાય માટે લડનારા, વંચિત-શોષિતોનો અવાજ. તારિક ફતેહે મશાલને આગળ વધારી દીધી છે… તેમની ક્રાંતિ તે તમામ માટે જળવાઈ રહેશે જે તેઓને જાણતા હતા અને પ્રેમ કરતા હતા.

કેનેડાના રહેવાસી લેખક તારિક ફતેહ ઇસ્લામ અને આતંકવાદ પર પોતાના સ્પષ્ટ નિવેદનોને લઇને જાણીતા હતા. ફતેહે અનેકવાર પાકિસ્તાનની આલોચના કરતા કેન્દ્રમાં એનડીએની સરકારને પોતાનું સમર્થન આપ્યું હતુ. તેમણે કેનેડામાં એક રાજનીતિક કાર્યકર્તા, પત્રકાર અને ટેલિવિઝન હોસ્ટના રૂપમાં કામ કર્યું છે અને અનેક પુસ્તકો લખ્યા છે.