સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ૫મી જુલાઈ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. ૨૯ અને ૩૦ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

૨૯મી જૂને ભરુચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ૩૦ જૂને ભરુચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રથયાત્રાના દિવસ એટલે કે ૧ જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદના પગલે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહી મુજબ પહેલી જુલાઈ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયામાં ડિપ્રેશનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થઈ ગયુ છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં ૩ નંબરનુ સિગ્નલ લગાવાયુ છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા જણાવાયુ છે. હાલમાં દરિયામાં સામાન્ય કરન્ટ જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમજ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી થઈ શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. હવામાન અંગેની ખાનગી સંસ્થાના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી બે દિવસ ઉકળાટ અને ગરમી રહેશે તેમજ વરસાદની સંભાવના નહિવત છે. ગુરુવારથી શનિવાર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ૫મી જુલાઈ સુધી અમદાવાદ સહિતના રાજ્યમાં ઝાપટાંથી માંડીને ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના દરિયાકિનારે ભારે પવનની હવામાન વિભાગની આગાહીના પગલે મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. વળી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.