અલ્કેમી ફાઇનકેમમાં ટૂંકાગાળામાં બ્લાસ્ટની બે ઘટનાઓ, કામદારોના જીવ સાથે ક્યાં સુધી રમત રમાશે?

  • સાયખાની અલ્કેમી ફાઇનકેમમાં મોતનો ખેલ?
  • એક જ મહિનામાં બીજી વાર પ્રચંડ બ્લાસ્ટ, 4 કર્મચારીઓ જિંદગી અને મરણ વચ્ચે
  • કંપની સામે કઠોર કાર્યવાહી કરવાને બદલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ, જીપીસીબી, જીઆઈડીસી સહિતના તંત્ર કેમ મૌન સેવી રહ્યા છે?

 


​ભરૂચ: વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી અલ્કેમી ફાઇનકેમ કંપની જાણે કામદારો માટે ‘ડેથ ટ્રેપ’ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. માત્ર એક જ મહિનાના ગાળામાં આ બીજી વખત બોઈલર બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવતા ઉદ્યોગ જગતમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શુક્રવાર 23 જાન્યુઆરીએ સવારે અલ્કેમી ફાઇનકેમમાં અચાનક બોઈલર ફાટતા જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બરાબર એક મહિના પહેલા પણ આ જ પ્લાન્ટમાં આવી જ રીતે બ્લાસ્ટ થયો હતો. ત્યારે પણ તંત્રએ તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ આજે ફરી બનેલી ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરક્ષાના નામે માત્ર ‘લીપાપોતી’ જ કરવામાં આવી છે.

​અહીં કેટલાંક ગંભીર સવાલો છે જેના જવાબ મળવા જરૂરી છે જેમ કે, ​લગભગ એક મહિના પહેલા થયેલા બ્લાસ્ટ બાદ શું કાર્યવાહી થઈ? જો કંપનીને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી, તો આજે ફરી બ્લાસ્ટ કેમ થયો? શું કંપની માત્ર નફો કમાવવા માટે બોઈલર અને મશીનરીના મેન્ટેનન્સમાં બાંધછોડ કરી રહી છે? અને​ વારંવાર અકસ્માતો સર્જતી કંપની સામે કઠોર કાર્યવાહી કરવાને બદલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ, જીપીસીબી, જીઆઈડીસી સહિતના તંત્ર કેમ મૌન સેવી રહ્યા છે?

​ટૂંકા ગાળામાં જ બ્લાસ્ટનો સિલસિલો જોવા મળતા આસપાસની અન્ય ફેક્ટરીઓના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો હવે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. જોકે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તાજેતરની દુર્ઘટનાની તપાસમાં જોતરાઇ હતી, પરંતુ અહીં મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ માત્ર કાગળ પરની તપાસ થશે કે પછી કોઈ નક્કર પગલાં લેવાશે?

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news