ડાકોરમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું

ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ગામડાઓમાં પીવાના પાણી માટે વલખા મારી રહી છે પ્રજા અને ખેડા જિલ્લાના છેવાડાના ગામોમાં ઉનાળામાં એક બાજુ પીવાના પાણીની તંગીનો પ્રશ્ન ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ નગરોમાં પીવાના પાણીની પાઈપલાઈનમા ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટના બનાવો સામે આવી રહ્યા છે. આવા બનાવોમાં નડિયાદ અને ડાકોર અગ્રેસર રહ્યું છે. થોડા દિવસો પહેલા નડિયાદમાં આવો બનાવ બન્યો હતો. જેના બાદ યાત્રાધામ ડાકોરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણનો બનાવ સામે આવ્યો છે. જેમાં રણછોડજીના મંદિર બહાર પાણીની લાઈનમાં ભંગાણથી રસ્તા પર પાણી ફરી વળ્યું હતું અને દર્શનાર્થીઓને અવરજવરમાં તકલીફ ઉભી થઇ હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના મંદિર બહાર કોઇ કારણોસર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું છે. આ ઉપરાંત રસ્તા ઉપર પણ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ અને ખાસ મંદિરે આવતા દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ન છૂટકે દર્શનાર્થીઓને આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો.

આ ઉપરાંત નડિયાદમાં પણ થોડા દિવસો અગાઉ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થતો હતો. પાલિકા તંત્ર આ બાબતે નિષ્કાળજી દાખવી રહ્યું છે. આવા બનાવમાં તુરંત જો પાણીનો સપ્લાયને બંધ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો બગડતા અટકી શકે તેમ છે.