બનાસકાંઠાના ખેડૂતોએ પાણી માટે બાઈક રેલી યોજી

બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ માલાણા તળાવ ભરવાને લઇ ૧૦ હજાર જેટલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ વડગામ તાલુકાના કર્માવદ અને મુક્તેશ્વર ડેમ ભરવાની લઈ ૨૦ હજારથી વધુ ખેડૂતો પાલનપુરમાં બે કિ.મીની ની પદયાત્રા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડેમો ભરવાની લઈને રજૂઆત કરી હતી. જ્યારે હવે થરાદ પંથકના ખેડૂતોને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની સમસ્યા કંઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી.

બીજી તરફ, પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર પહોંચી કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરી હતી, જ્યારે થરાદના ખેડૂતોએ ૯૭ ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી છે. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવશે. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. આજે સરહદી પંથકના થરાદમાં પાણીની વિકટ સમસ્યાને લઇ ખેડૂતો ફરી આંદોલન પર ઉતર્યા છે. રાહથી થરાદ સુધી ખેડૂતોની મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી છે.

બાઈક રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવશે. ખેડૂતોની માંગ છે કે, ૯૭ ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવા આવે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે.