ગાંધીનગરના નાંદોલના ઔષધવનમાંથી ૬ ચંદનના વૃક્ષો ચોર કાપીને લઈ ગયાં

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ચંદન ચોર સક્રિય થઈને આરક્ષિત ચંદનના વૃક્ષો કાપી ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ રહ્યા છે. હમણાં ગયા મહિને મહુડીથી ફતેપુરા ત્રણ રસ્તા પરથી કારમાંથી પોલીસે તપાસ કરતાં ૧૭૮ કિગ્રા સુખડ અને ચંદનના લાકડા સાથે ૯.૩૪ લાખનો મુદામાલ ઝડપી પાડી પાંચ ઈસમોની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારે દહેગામના નાંદોલનાં ઔષધવન માંથી લાખોની કિંમતના ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.

નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં ઔષધવન ઊભું કરવામાં આવ્યું છે. અહીં વિવિધ જાતના ઔષધીય વૃક્ષોની સાથે ચંદનના વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. ત્યારે ચંદન ચોર ટોળકી ઔષધવનમાં ત્રાટકી હતી. અને આરામથી ચંદનના છ વૃક્ષોની ડાળીઓ કાપી નાખીને લાખોની કિંમતના આખે આખા થડ કોઈ વાહનમાં ભરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ગામના તલાટી કમ મંત્રી તેમજ સ્થાનિક પોલીસ ઔષધવન દોડી ગયા ગયા હતા. જ્યારે એક ચંદનનું ઝાડ કાપી નાખ્યાં બાદ તેને સ્થળ ઉપર જ મૂકીને તસ્કરો નાસી છુટયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારે ચંદન ચોર ગેંગ વાહન તેમજ કટર લઈને આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તો ચંદનના વૃક્ષો કાપતા પહેલા ચંદન ચોર ગેંગે ઉક્ત સ્થળની રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ઉપરાંત કોઈ અંદરના માણસની સંડોવણી હોવાની શક્યતા પણ વર્તાઈ રહી છે.

દહેગામના નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં આવેલા ઔષધવનમાંથી અંધકારમાં પુષ્પા સ્ટાઈલમાં તસ્કરો આરામથી ચંદનના છ વૃક્ષો કાપીને વાહનમાં ભરીને નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ દોડતી થઇ ગઈ હતી. તસ્કરો લાખો રૂપિયાની કિંમતના ચંદનના છ વૃક્ષો ચોરીને નાસી જતાં અંદરના કોઈ માણસની સંડોવણી હોવાની શક્યતા વર્તાઈ રહી છે.