વડોદરા પાલિકા કચેરી પાસે બગીખાના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા વકરી

વડોદરા શહેરની પાલિકાની વડી કચેરીની પાસે આવેલ બગીખાનાની રાજરત્ન સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળા રંગનો પાણી આવી રહ્યું છે અને તેના કારણે ૧૦૦થી વધુ પરિવારો રોગચાળાના ભરડામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે પાલિકા શુદ્ધ પાણી આપવામાં ફરી એક વખત નિષ્ફળ નિવડયું હોવાનો ભાંડો ફૂટયો છે આ અગાઉ વાઘોડિયા રોડની સોસાયટીઓમાં, માંડવી રાજપુરા ની પોળ અને ચોખંડી માં કાળા રંગનું પાણી આવ્યું હતું. ઇલેક્શન વોર્ડ નંબર ૧૩ ના ન્યુ બગીખાના વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રસ્ત નાગરિકોએ પાલિકાના તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો અને તેમાં ઉકેલ લાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે પાસે રજૂઆત કરી હતી.કાળા રંગનું પાણી પીવા લાયક નથી અને પીવા માટે પાણીના જગ અને ટેન્કરો મંગાવવામાં પડી રહ્યા છે તેવો આક્રોશ પણ આ રહીશોએ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે કેબલની કામગીરીના કારણે ન્યુ બગીખાના અને રાજ રત્ન સોસાયટી માં કાળું અને દૂષિત પાણી આવી રહ્યું છેપાલિકાની વડી કચેરી પાસે ની સોસાયટીમાં જ કાળા પાણીની સમસ્યા ઊભી થઈ છે અને પાલિકાનું તંત્ર તેના માટે ગંભીર બન્યું નથી.

ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી પાસે આવેલા બગીખાના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા વકરી છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા માઝા મૂકી હતી અને ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળ્યો હતો.આ સંજોગોમાં,રોગચાળો બેકાબૂ બને ત્યારે પાલિકાનું તંત્ર ઊંઘમાંથી જાગે છે અને સબ સલામતના દાવા કરતું હોય છે.