જીપીસીબીનો ધમધમાટ; જેતપુરમાં ભાદર નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર ચાલતા 6 ધોલાઇ ઘાટને તોડી પડાયા

જેતપુરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભાદર નદીને પ્રદૂષિત કરતા ગેરકાયદેસર રીતે ચાલી રહેલા 6 ધોલાઇ ઘાટને તોડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ધોલાઇ ઘાટ પર ધોસ જમાવી જીપીસીબીએ કાર્યવાહી કરતા ભાદર નદીને પ્રદૂષણથી મુક્ત રાખી શકાશે.

ઉલ્લ્ખનીય છે કે શહેરમાં 50%થી વધારે કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું ભૂગર્ભ ગટરમાં છોડી દેવામાં આવે છે. જેના લીધે ભાદર નદી ગુજરાતની સૌથી વધુ પ્રદુષિત નદી પૈકીની એક બની ગઈ છે. જેથી ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડતા એકમો વિરુદ્ધ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ અગાઉ પણ જીપીસીબી અને જેતપુર નગરપાલિકા દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચેક જેટલા કારખાનાઓમાં તપાસમાં નિયમોનું ઉલંઘન કરતા હોવાનું સામે આવ્યું હતુ, જેઓ સામે જીપીસીબી અને જેતપુર નગરપાલિકા કાર્યવાહી કરી ગટર જોડાણને કાપી નાંખવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીને લઇને ગુજરાત પ્રદેશ નિયંત્રણ બોર્ડના કે.બી. વાધેલાએ જણાવ્યું હતુ કે કે સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ કામગીરીમાં મામલતદાર, જીપીસીબી, સ્થાનિક પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ જોડાયા હતા અને આવા કૃત્યો કરતા કોઇને પણ બક્ષવામાં આવશે નહી.

ઘણા સોફરમાલિકો મળેલી કાપડ ધોવાની મંજૂરી કરતા અનેક ગણા કાપડને ધોવાની કામગીરી કરતા હોય છે. અને આ પ્રદૂષિત પાણી સીધુ પાઇપલાઇથી ભાદર નદીમાં છોડી દેવામાં આવે છે, જેથી ભાદર નદી પ્રદૂષિત થઇ રહી છે. ત્યારે આ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા એકમો સામે કડક પગલા ભરી જીપીસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.