ગૌચરની જમીન પર દબાણની નોટિસ આપવા ગયેલી ટીમને બનાવાઈ બંધક,પોલીસે છોડાવ્યાં

સાબરમતી જવાહર ચોકમાં આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદે ઉભા થઈ ગયેલા વિશ્વકર્મા નગરના બાંધકામને નોટિસ આપવા મહિલા રેવન્યૂ તલાટી ટીમ સાથે પહોંચ્યાં હતાં. ૨૫૦ જેટલા માણસોના ટોળાંએ ટીમને ઘેરી લઈ હાથ – પગ તોડી દેવાની, જાનથી મારી નાખવાની ધમકી આપીને બંધક બનાવ્યાં હતાં. ૪ કલાક બાદ પોલીસે આવીને તલાટી અને ટીમને છોડાવ્યાં હતાં. ગાંધીનગરમાં રહેતા દિપાલીબહેન પરમાર સાબરમતી રામનગર ચોક ખાતેની અચેર સરકારી ચાવડીમાં રેવન્યૂ તલાટી છે.

સાબરમતી જવાહર ચોક અચેર ગામની સીમમાં આવેલી સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દેવાયા હતા. જેથી આ દબાણો હટાવી લેવાની નોટિસો આપવા માટે દિપાલીબહેન તેમની ટીમ સાથે ત્યાં ગયાં હતાં. લગભગ દિપાલીબહેન તેમજ તેમની સાથેના સર્કલ ઓફિસર ક્રિષ્ણાબહેન પરમાર, બીજા તલાટી વિક્રમસિંહ ડી. વાઘેલા તેમજ અન્ય કર્મચારી આકાશભાઈ કાપડિયા, ભીમસેન રાવળ અને દર્શનભાઈ રાવળ વિશ્વકર્મા નગરના રહીશોને રહેણાક અને ધાર્મિક દબાણ દૂર કરવાની નોટિસ આપી રહ્યા હતા. ત્યારે નરેન્દ્રભાઈ બેરવાએ ધમકી આપી હતી કે તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? તેઓ સરકારી ટીમ ઉપર ગુસ્સે થયા હતા અને લગભગ ૨૫૦ માણસોને ભેગા કરીને ટીમને ઘેરીને બાનમાં લઈ લીધી હતી. આટલું જ નહીં સરકારી ટીમને ધમકી આપી હતી કે જો અહીંથી જવાનો પ્રયાસ કરશો તો હાથ – પગ તોડી દઈશું અને જાનથી મારી નાખીશું. તેમ કહીને ટીમને બંધક બનાવીને ગોંધી રાખી હતી. આટલું જ નહીં તમામના ફોન પણ લઈ લીધા હતા. લગભગ ૪ કલાક સુધી આ ડ્રામા ચાલ્યો હતો.

ત્યારબાદ પોલીસ આવતા, પોલીસે ટીમને છોડાવી હતી. આ અંગે દિપાલીબહેને સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્રભાઈ બેરવા તેમજ ૨૫૦ માણસોના ટોળાં વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હાલમાં પોલીસે નરેન્દ્રભાઈ બેરવા સહિત ૨૫૦ માણસ સામે ગુનો નોંધ્યો છે જેમાં નરેન્દ્રભાઈ સાથે અન્ય કોણ સામેલ હતા તે જાણવા માટે પોલીસે સરકારી ટીમના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે તેમજ જે પણ સભ્યોને નોટિસ આપવાની હતી તે લોકોની તપાસ શરૂ કરી છે.