અદભૂતઃ હનુમાનજીની ચોલ કાળ સાથે સંબંધિત ચોરાયેલી મૂર્તિને સ્વદેશ પરત લવાઇ

ચોલ કાળની ભગવાન હનુમાનની ચોરાયેલી મૂર્તિ મળી આવી છે અને તેને તામિલનાડુની મૂર્તિ વિંગને સોંપવામાં આવી છે.

તમિલનાડુના અરિયાલુર જિલ્લાના પોટ્ટાવેલ્લી વેલ્લોરમાં સ્થિત શ્રી વરથરાજા પેરૂમલના વિષ્ણુ મંદિરમાંથી ભગવાન હનુમાનની મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. આ પ્રતિમા ચોલ સમયગાળાના અંતમાં (14મી-15મી સદી)ની છે. વર્ષ 1961માં “ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોંડિચેરી” દ્વારા તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા કેનબેરામાં ભારતના હાઈ કમિશનરને સોંપવામાં આવી હતી. પ્રતિમા ફેબ્રુઆરી, 2023ના છેલ્લા સપ્તાહમાં ભારત પરત આપવામાં આવી હતી અને 18 એપ્રિલ, 2023ના રોજ કેસ પ્રોપર્ટી તરીકે તમિલનાડુની આઇડોલ વિંગને સોંપવામાં આવી હતી.

ભારત સરકાર દેશની અંદર રાષ્ટ્રની પ્રાચીન વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહી છે અને ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે વિદેશમાં લઈ જવામાં આવેલી પ્રાચીન વસ્તુઓને પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી 251 પ્રાચીન વસ્તુઓ પરત લાવવામાં આવી છે, જેમાંથી 238 મૂર્તિ વર્ષ 2014 બાદ સ્વદેશ લાવવામાં આવી છે.