રૂપાણી સરકાર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે તબક્કાવાર પાણી આપશે

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે

અખાત્રીજથી ખેડૂતો પોતાના ખેતરોમાં નવી વાવણી કરી પોતાના હળ અને ખેતરની પૂજા કરી નવા વર્ષની વાવણીની શરૂઆત કરે છે.ત્યારે ખેડૂતો માટે પણ શુભ સમાચાર એ છે કે રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે તબક્કા વાર પાણી છોડવાનો ર્નિણય કર્યો છે.

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે.ગુજરાતના આ ર્નિણયથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.ચોમાસાની સીઝનને હજુ વાર છે પરંતુ અત્યારે પણ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૪ મીટર છે.જેના કારણે ગુજરાત સરકારે નર્મદા ડેમનું પાણી અલગ અલગ વિસ્તારમાં આપવાનો ર્નિણય કર્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે ૨૦૦૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ૮૦૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમ માંથી ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલ માંથી અત્યારે ૧૫,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાં હજુ વધારો કરવામાં આવે એવા એંધાણ છે.બીજી તરફ નર્મદા નદીના મુખ્ય વહેણને જીવંત રાખવા માટે ૬૨૭ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.