મલેશિયા, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા

ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના કુઆલાલંપુરમાં ૫૦૪ કિમી દક્ષિણપશ્ચિમમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જ્યારે ફિલિપાઈન્સના મનિલાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં ૧૫૭ કિલોમીટર દૂર ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ સમુદ્રની અંદર જોરદાર ભૂકંપ આવ્યો છે. હાલમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.ઉપરાંત હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ઇન્ડોનેશિયામાં ૬.૬-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ સુમાત્રા પ્રાંતના એક શહેર પરિમનથી લગભગ ૧૬૯ કિલોમીટર પશ્ચિમમાં ૧૬ કિલોમીટરની ઊંડાઈએ ભુકંપનુ કેન્દ્રબિંદુ હતુ.જ્યારે ઈન્ડોનેશિયાની હવામાન અને જીઓફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે પ્રાંતના ઘણા ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ સુનામીનો હાલ કોઈ ખતરો નથી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ નિયાસથી લગભગ ૧૬૧ કિમી દક્ષિણપૂર્વમાં હતું. અહીં પણ કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

ઈન્ડોનેશિયામાં ભુકંપ કોઈ નવી વાત નથી. તેના આંચકા અહીં દરરોજ અનુભવાય છે. ક્યારેક સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવે છે. આ સિવાય આ દેશમાં જ્વાળામુખી ફાટવાના પણ અહેવાલ સામે આવી ચુક્યા છે. ગયા મહિને સુમાત્રા પ્રાંતના પશ્ચિમમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતા અને ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયામાં આવેલા આ ભૂકંપના કારણે હજારો મકાનો અને ઈમારતોને નુકસાન થયુ હતુ.

ભૂકંપના આંચકા ઘણા દિવસો સુધી અનુભવાયા હતા.જેમાં કાટમાળમાં દટાઈ જવાને કારણે અનેક લોકોના મોત થયા છે. જ્યારે સુનામીના કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. જેના કારણે દેશને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થયું હતું. મલેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.