લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા

અમદાવાદઃ ક્યારેક માવઠું તો ક્યારેક  અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પાક યાર્ડ સુધી પહોંચતા ભાવ તળિયે બેસી જાય છે….આવક બમણી થવાની વાત તો દૂર રહી પણ ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળતા નથી…ત્યારે આવો જોઈએ કે કેવી રીતે ખેડૂતોને ખેતી કરીને પસ્તાવાનો વારો આવી રહ્યો છે.

કુદરત કહેર બનીને વરસે તો ખેડૂતોને નુકસાન, મૌસમ મિજાજ બદલે તો ખેડૂતોને નુકસાન… કાયદા બદલાય તો ખેડૂતોને નુકસાન…. આ બધામાંથી બચાવીને ખેડૂતો પાક તૈયાર કરી જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય તો પણ તેમને નુકસાન જ વેઠવોના વારો આવી રહ્યો છે.. ડુંગળી બાદ હવે લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા છે…. જેથી ખેડૂતોને હવે ખેતી કરવી મુશ્કેલ બની ગયું છે.

સૌરાષ્ટ્રની શાન ગણાતા ગોંડલિયા લાલ ચટાકેદાર મચરાની ગોંડલ માર્કેટ યાર્ડમાં ૧ લાખ ભારીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. યાર્ડ બહાર મરચા ભરેલાં વાહનોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે, પરંતુ હરાજીમાં એક મણ મરચાના ૧ હજારથી ૪,૩૦૦ રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મરચાના ભાવમાં ૮૦૦ રૂપિયાનો કડાકો બોલતા ખેડૂતોને આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડુંગળી અને મરચા બાદ સફેદ સોનું કહેવાતા કપાસે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી છે.

ખુલ્લા બજારમાં કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોને ખોટ ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોની માગ બાદ વડોદરાના ડભોઈમાં CCI દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને એક મણ કપાસના ૧૩૯૦ રૂપિયા ભાવ મળી રહ્યા છે. પરંતુ ક્વોલિટી પ્રમાણે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી.. ત્યારે ટેકાના ભાવમાં સુધારો કરી વહેલી તકે રાજ્યભરમાં કપાસની આવી રીતે ખરીદી કરવા ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે.. કોઈ ધિરાણ લઈને તો કોઈ ખેડૂતો દેવું લઈને મોંઘા ભાવના બિયારણ, ખેડ અને ખાતરનો ખર્ચ કરી પાક તૈયાર કરે છે..જેમાં મજૂરીનો ખર્ચ કરી પાકને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે છે…પરંતુ યાર્ડમાં જે ભાવ મળે છે તેમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નથી નીકળતો….જેથી ખેડૂતોની આવક બમણી થવાના બદલે ખેડૂતો દેવાના ડુંગળ નીચે દબાઈ રહ્યા છે. જો આવી જ સ્થિતિ રહેશે તો પછી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. પોષણક્ષમ ભાવ ન મળતા હાલ ખેડૂતો ખેતી કરી પસ્તાઈ રહ્યા છે, ત્યારે ખરા અર્થમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો યોગ્ય ભાવ આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે.